હવે કારીગરોને બેન્ક ગેરંટી વગર ત્રણ લાખની લોન આપશે સરકાર
રાજકોટમાં પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાવતાં કેન્દ્રીય મંત્રી માંડવિયા: મોટી સંખ્યામાં ૧૮ જેટલી જ્ઞાતિના કારીગરોનું સ્થળ પર જ કરાયેલું રજિસ્ટે્રશન: લોન ઉપરાંત ટે્રનિંગ, સ્ટાઈપેન્ડ, ટુલકિટ, માર્કેટિંગ સહિતના માટે પણ સરકાર સહાય આપશે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો જેના થકી હવે કારીગરોને કોઈ પણ પ્રકારની બેન્ક ગેરંટી વગર ત્રણ લાખની લોન સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો પ્રારંભ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત દેશના ૭૦ શહેરો-જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે. આ યોજના થકી ૧૮ જ્ઞાતિના કારીગરોને લોન ઉપરાંત ટે્રનિંગ, સ્ટાઈપેન્ડ, ટુલકિટ, માર્કેટિંગ સહિતના માટે પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવશે.
આ કાર્યક્રમને સંબોધન કરતાં માંડવિયાએ જણાવ્યું કે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો પોતાની પેઢી દર પેઢીથી સચવાયેલી કારીગરી થકી અર્થોપાર્જન કરી શકે તે માટે વડાપ્રધાન દ્વારા આ યોજના માટે રૂા.૧૫ હજાર કરોડની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ ઓનલાઈન રજિસ્ટે્રશન કરાવી આઈકાર્ડ મેળવવાનું રહેશે અને તેના આધારે કોઈ પણ પ્રકારની બેન્ક ગેરંટી વગર ત્રણ લાખ સુધીની લોન મેળવી શકાશે.
જ્યારે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ૧૪૦ પેટા જ્ઞાતિ ધરાવતો કારીગર સમાજ કેન્દ્ર સરકારની વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જ આ યોજનાનો હેતુ છે. આ યોજનામાં વધુમાં વધુ કારીગરોને જોડાવા માટે તેમણે અનુરોધ કર્યો હતો તેમજ સરકાર દ્વારા નાના રોજગારધારકો માટે ટે્રનિંગ, સ્ટાઈપેન્ડ, લોન, ટૂલકિટ, માર્કેટિંગ માટેની સહાય વગેરોનો યોગ્ય લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી.
એઈમ્સની વધુ એક એમ્બ્યુલન્સ ફાળવાઈ
રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ૧૬ લાખ રૂપિયાની કિંમતની બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આ વેળાએ એઈમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કર્નલ સી.ડી.એચ.કટોચ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.