હવે રાજકોટથી અમદાવાદ-વડોદરાની ફ્લાઈટ શરૂ થશે
નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવા સરકારની તૈયારીઃ ભૂજ, કેશોદ, પોરબંદર, ભાવનગર સહિતના શહેરોમાં પણ અમદાવાદ-વડોદરાની ફ્લાઈટ શરૂ કરવા કવાયત
રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે અને 10 સપ્ટેમ્બર થી ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન પણ શરૂ થઈ જવાની છે ત્યારે હવે રાજકોટથી અમદાવાદ તેમજ વડોદરાની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવા ઉજળા સંજોગો મળી રહ્યા છે. રાજ્ય સરકારની વાયેબીલીટી ગેપ ફન્ડીંગ (વીજીએફ) યોજના હેઠળ રાજ્યના નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. આ અંતર્ગત રાજકોટ ઉપરાંત ભૂજ, કેશોદ, પોરબંદર, ભાવનગર સહિતના શહેરોને પણ અમદાવાદ તેમજ વડોદરા સાથે જોડીને ફ્લાઈટ શરૂ કરવા કવાયત કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યા પ્રમાણે અમદાવાદ-કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ-અમરેલી, અમદાવાદ-રાજકોટ, વડોદરા-ભૂજ, વડોદરા-પોરબંદર , વડોદરા-કેશોદ, વડોદરા-રાજકોટ અમદાવાદ-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે જેના ઉપર ટૂંક સમયમાં અમલ શરૂ થવાની શક્યતા છે. આવી જ રીતે અમદાવાદ- અંબાજી અને અમદાવાદ-સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અમદાવાદ અને વડોદરા સાથે રાજ્યના નાના શહેરોની ફ્લાઈટ સેવા શરૂ થવાને કારણે લોકોને એક શહેરથી બીજા શહેરમાં ઝડપથી પહોંચવા માટે ઘણી જ સુગમતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે એટલા માટે જ એરલાઈન્સ દ્વારા રાજકોટથી અન્ય રાજ્યના શહેરો માટેની ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. થોડા સમય બાદ રાજકોટથી ઉદેપુરની ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે નવું એરપોર્ટ શરૂ થયા બાદ અન્ય એરલાઈન્સ પણ વધુ ફ્લાઈટ શરૂ કરવા માટે આગળ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ બધાની વચ્ચે રાજકોટથી અમદાવાદ તેમજ રાજકોટથી વડોદરા વચ્ચેની ફ્લાઈટ સેવા શરૂ થાય તો લોકો ઝડપથી પોતાના કામ અર્થે પહોંચી શકશે સાથે સાથે હાઈ-વે ઉપર સર્જાતા ટ્રાફિકજામમાંથી પણ ઘણે અંશે છૂટકારો મળી શકે તેમ છે.
સરકાર દ્વારા આ પ્રકારની પ્રારંભીક જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે બંને શહેરોને જોડતી ફ્લાઈટ ક્યારે શરૂ થાય છે તેના ઉપર પણ સૌની નજર મંડાયેલી રહેશે. રાજકોટ ઉપરાંત કેશોદ, અમરેલી, પોરબંદર, ભાવનગર સહિતના શહેરોને પણ અમદાવાદ તેમજ વડોદરા સાથે હવાઈ સેવાનો લાભ મળે તો ખાસ કરીને વ્યવસાયિકોને ઘણો બધો ફાયદો મળી શકે તેમ છે કેમ કે અત્યારે ઉપરોક્ત એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચવા માટે કલાકોનો સમય લાગી જાય છે એટલા માટે જો ફ્લાઈટ શરૂ થઈ જાય તો પછી આ સમય બચી જશે.