હવે 112 નંબર પરથી જ પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરની સેવા મળશે
7.99 કરોડના ખર્ચે એજન્સી ત્રણ માસમાં કામ કરશે પૂર્ણ
રેસકોર્સના લોકવિજ્ઞાન કેન્દ્ર ઓડિટોરિયમનું રિનોવેશન નામંજૂર, સેન્ટ્રલ ઝોનના ૨૩ બગીચાની જાળવણી પાછલ ૧.૨૯ કરોડના ખર્ચની દરખાસ્ત પેન્ડીંગ
સ્ટેન્ડિંગ કમિટીએ ૧૭.૨૦ કરોડની ૧૨ દરખાસ્તને આપી મંજૂરી
અમદાવાદ-વડોદરા બાદ હવે રાજકોટના ફાયર વિભાગને પણ ૧૧૨ સાથે જોડી દેવાનો નિર્ણય શાસકો દ્વારા લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસ માટે ૧૦૦, ફાયર વિભાગ માટે ૧૦૧ અને એમ્બ્યુલન્સ માટે ૧૦૨ નંબર ડાયલ કરવો પડતો હતો પરંતુ હવે ત્રણેય સેવા ૧૧૨ નંબરથી જ મળવા લાગશે. ફાયર વિભાગને ૧૧૨ સાથે જોડવા માટે આર્યા ઓમનીટેક વાયરલેસ કોમ્યુનિકેશન પ્રા.લિ.ને ૭.૯૯ કરોડના ખર્ચે કામ આપવાની દરખાસ્તને બુધવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂરી મળ્યા બાદ હવે એજન્સી દ્વારા ત્રણ મહિનાની અંદર તમામ હાર્ડવેર સહિતની ઈમરજન્સી સિસ્ટમ તમામ વાહનોમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે તેમજ ત્રણ વર્ષ સુધી તેની જાળવણી સહિતની કામગીરી કરશે. આ સુવિધા શરૂ થયા બાદ અલગ-અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરીને તમામ ઈમરજન્સી સેવાઓ મેળવી શકાશે. ખાસ કરીને દરેક ફાયર વિભાગના દરેક વાહનમાં જીપીએસ ટેક્નોલોજી દ્વારા મદદ માંગનાર વ્યક્તિ કે ઘટનાસ્થળનું સચોટ લોકેશન પણ મેળવી શકાશે સાથે સાથે ટેક્નોલોજીના સમન્વયથી ઘટનાસ્થળે ઝડપથી પહોંચી પણ શકાશે. આ સેવામાં અલગ-અલગ ભાષામાં વાતચીત કરી શકાશે. ૧૧૨ ઈન્ડિયા `મોબાઈલ એપ’માં પેનિક બટન અને એસઓએસ ફિચર ઉપલબ્ધ છે જેનાથી એક ક્લિક પર લોકેશન અને ઈમરજન્સી એલર્ટ મોકલી શકાશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રેસકોર્સના લોકવિજ્ઞાન કેન્દ્ર ઓડિટોરિયમનું ૧.૨૪ કરોડના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. આ કામ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) હેઠળ કરાવવા માટે મહાપાલિકા ઈચ્છુક છે એટલા માટે ચાર મહિના સુધી જો કોઈ પીપીપી ધોરણે કામ કરવા તૈયાર થશે તો તેને કામ અપાશે અન્યથા ચાર મહિના બાદ ફરીથી દરખાસ્ત કરવાનું સુચવવામાં આવ્યું છે. આ જ રીતે સેન્ટ્રલ ઝોન હેઠળના ૨૩ બગીચાની જાળવણીનો કોન્ટ્રાક્ટ ૧.૨૯ કરોડના ખર્ચે આપવાની દરખાસ્ત આવી હતી જેને પેન્ડીંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત કમિટી દ્વારા ૧૭.૨૦ કરોડના ખર્ચની ૧૨ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.
