પુષ્પા ઝુકેગા ! હવે સૂચિત જંત્રીદર સામે ઓફલાઈન વાંધા સ્વીકારાશે
રાજકોટમાં બિલ્ડરોએ સૂચિત જંત્રી દર વધારા સામે એલાને જંગ છેડ્યા બાદ સરકાર ઝૂકી
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં સંભવતઃ આગામી એપ્રિલ -2025થી અમલી બને તે રીતે સૂચિત જંત્રી જાહેર કરી એક મહિનામાં ફક્તને ફક્ત ઓનલાઇન વાંધા સૂચનો રજૂ કરવા જ અધિસુચના જાહેર કર્યા બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં દેકારો બોલી ગયો છે અને આગામી સોમવારે મૌન રેલી યોજવાનું જાહેર કરતા જ સરકારે ફક્ત ઓનલાઇનને બદલે હવે ઓફલાઈન વાંધાસૂચનો સ્વીકારવાનું જાહેર કરી તમામ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટરોને વાંધા સૂચન માટેના ફોર્મ પણ મોકલી આપ્યા છે.
ગુજરાત સરકારના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ ની સૂચના અનુસાર તમામ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાકનતંત્રની કચેરીઓને સૂચિત જંત્રી -2024 અંગેના ઓફલાઇન વાંધા સૂચન રજૂ કરવા અંગેની અરજીનો નિયત નમૂનો મોકલી આપવામાં આવ્યો છે અને નમૂનો જાહેર જનતાને સ્થાનિક કક્ષાએ મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીએ સહેલાઇથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા શુક્રવારે તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સૂચિત જંત્રીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 200થી 2000 ટકા વધારો થયો હોવાનું જાહેર કરી બિલ્ડર એસોશિએશન દ્વારા સોમવારે નવી જંત્રીના વિરોધમાં મૌન રેલી યોજવાનું જાહેર કર્યું છે ત્યારે મૌન રેલી પૂર્વે જ બિલ્ડરો અને રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ દ્વારા સૂચિત જંત્રી સામે ઓનલાઈનના બદલે ઓફલાઈન પણ વાંધા સૂચનો સ્વીકારવા માંગણી કરી હતી જે સરકારે તાત્કાલિક સાંભળી તમામ મામલતદાર અને પ્રાંત અધિકારી સમક્ષ વાંધા સૂચનો રજૂ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.