હવે આવ્યો યાજ્ઞિક રોડનો વારો…! : બીજા દિવસે મનપા-પોલીસની સંયુક્ત કામગીરી
ત્રિકોણ બાગ, રામકૃષ્ણનગર મેઈન રોડ, રેલવે જંક્શન રોડ, ચૌધરી હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં ક્લિન ફૂટપાથ' ઓપરેશન
બીજા દિવસે મનપા-પોલીસની સંયુક્ત કામગીરી: યાજ્ઞિક રોડ પર વેપારીઓ સાથે ઘર્ષણ
વોઈસ ઓફ ડે’ દ્વારા ફૂટપાથ-રસ્તાઓ પર ખડકાયેલા દબાણને લઈને તંત્રનો કાન આમળવાનું સતત યથાવત રખાયું હોય આકરી કાર્યવાહી કરવા મહાપાલિકા તેમજ પોલીસ મજબૂર બન્યા છે. આ ઝુંબેશ શહેરીજનોની સુખાકારી માટે અત્યંત જરૂરી હોવાથી તંત્રનું દરરોજ અલગ-અલગ વિસ્તારોને લઈને સતસવીર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. વોઈસ ઓફ ડે'ની ઝુંબેશને પગલે આચાર સંહિતા વચ્ચે પણ મહાપાલિકા-પોલીસ તંત્રએ
ક્લિન ફૂટપાથ’ ઓપરેશન શરૂ કરી દીધું છે. પ્રથમ દિવસે ૧૫૦ ફૂટ રિંગરોડ સાફ કર્યા બાદ હવે યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોનો વારો લઈને ત્યાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
મહાપાલિકાની દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ બનાવીને યાજ્ઞિક રોડ ઉપરાંત ત્રિકોણ બાગ, રામકૃષ્ણનગર મેઈન રોડ, રેલવે જંક્શન રોડ, વિવેકાનંદ ચોક, બહુમાળી ભવન, ચૌધરી હાઈસ્કૂલ, ભાવેશ મેડિકલ પાસે તેમજ સિંધિયા ગેટ સહિતના વિસ્તારોમાં ટીમોએ ત્રાટકીને ૫૭ બોર્ડ-બેનર તેમજ રસ્તા પર ખડકાયેલી ૨૬ જેટલી પરચુરણ સામગ્રી દૂર કરી હતી. દરમિયાન યાજ્ઞિક રોડ પરની ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા બોર્ડ-બેનર તેમજ વાહન પાર્ક કરી દેવાયા હોય તેને દૂર કરાતાં જ ઘર્ષણ થયું હતું. જો કે પોલીસ સાથે હોવાથી મામલો વકર્યો ન્હોતો અને બધું સમુસુતરું પાર પડ્યું હતું.
ટ્રાફિક પોલીસને ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનો નથી દેખાતાં ?
બે દિવસથી મનપા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા દબાણહટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસ પણ સાથે રહે છે પરંતુ આશ્ચર્યજનક રીતે તેને એક પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો દેખાતાં નથી ! જે જે વિસ્તારમાં દબાણ હટાવાયું ત્યાંની ફૂટપાથ ઉપર મહત્તમ દબાણ વાહન પાર્કિંગનું હોવા છતાં પોલીસ દ્વારા વાહન ડિટેઈન કરવા કે તેના માલિકને દંડ ફટકારવાની તસ્દી લેવાઈ રહી ન હોવાથી કામગીરીમાં શંકા જણાઈ રહ્યાનું લોકો જણાવી રહ્યા છે.