હવે ગાય, ભેંસ, બકરી માટે પણ વીમો
ફક્ત રૂપિયા 100ના ટોકન દરે પશુઓનો જીવનવીમો
સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના શરૂ, પ્રથમ તબ્બકે રાજકોટ જિલ્લામાં 5200 પશુઓનો વીમો ઉતારવામાં આવશે
રાજકોટ : ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પ્રથમ વખત જ પશુપાલકોના હિતમાં નેશનલ લાઈવસ્ટોક મીશન હેઠળ રીસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત પશુધન વીમા સહાય યોજના શરૂ કરી છે. પ્રથમ તબ્બકે રાજકોટ જિલ્લામાં 5200 પશુઓનો વીમો ઉતારવામાં આવશે જેમાં પશુમાલિક પાસેથી માત્ર 100 રૂપિયા મેળવી બાકીની વીમા પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ચુકવવામાં આવશે.પ્રથમ તબ્બકે ગુજરાત સરકાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ આ યોજના અમલી બનાવી કુલ 50 હજાર પશુઓના વીમા ઉતારવા નક્કી કર્યું છે.
પશુધન વીમા સહાય યોજના અંતર્ગત ભારત સરકારની નેશનલ લાઈવ સ્ટોક મિશન અંતર્ગતની રીસ્ક મેનેજમેન્ટ અને ઇન્શ્યોરન્સ યોજના હેઠળ લાભાર્થીને પોતાના દેશી, શંકર ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, પાડો, ખૂંટ, ઘેટા, બકરા, ડુક્કર, સસલા, વગેરે પશુઓનો વીમા લેવા માટે વીમા પ્રીમિયમ પર 85% સહાય મળવા પાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં પ્રતિ લાભાર્થી કુટુંબ દીઠ 1 થી 3 વેતરના વધુમાં વધુ 3 દૂધાળા પશુઓને (ગાય-ભેંસ)ને આવરી લેવા નક્કી કરેલ છે. આ યોજના આગામી તા.15 ડિસેમ્બર સુધી અમલી છે.
વધુમાં પશુધન વીમા યોજનામાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કરવા નક્કી કરવાં આવ્યું છે અને હાલમાં ઓનલાઇન અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત પશુપાલક પાસેથી ફક્ત રૂપિયા 100 વીમા પ્રીમિયમ લેવામાં આવશે અને બાકીનું વીમા પ્રીમિયમ પશુની કિંમત મુજબ 85 ટકા રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
આ યોજના હેઠળ લાભાર્થીએ I Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી જરૂરી સ્વપ્રમાણિત દસ્તાવેજોની સાથે અરજી I Khedut પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે અથવા નજીકના પશુ દવાખાના ખાતે અરજી તથા સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલ આપવાની રહેશે.
આ યોજનામાં પસંદ થયેલ અરજદારને તેના પશુઓના વીમા લેવા માટે તેના ભાગે આવતી વિમા પ્રિમીયમની રકમ રાજ્ય સરકારે નિયુક્ત કરેલ વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને જમા કરાવી તેની પહોંચ તેમજ પોલીસીની નકલ મેળવી લેવાની રહેશે જ્યારે સબસીડીની રકમ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે.
ક્યાં જિલ્લામાં કેટલો લક્ષ્યાંક
જિલ્લાનું નામ – પશુઓની સંખ્યા
કચ્છ – 9300
ભાવનગર – 4300
ગીર સોમનાથ – 3400
સુરેન્દ્રનગર- 5500
જુનાગઢ- 3000
રાજકોટ – 5200
બોટાદ – 2000
અમરેલી – 3200
મોરબી – 6000
જામનગર – 2400
દેવભુમિ દ્વારકા- 3700
પોરબંદર -2000
કુલ 50000
