હવે આધારકાર્ડની જેમ ખેડૂતોના બનશે ફાર્મર આઇડી
સરકારની યોજનાના લાભ માટે ફાર્મર આઈડી ફરજીયાત : 25 નવેમ્બર પહેલા રાજ્યના તમામ ખેડૂતોના ફાર્મર આઈડી બની જશે
રાજકોટ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ સરકારી યોજનાના લાભ માટે આધારકાર્ડની જેમ જ ખેડૂતો માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવા નક્કી કર્યું છે અને આગામી તા.25મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને જ પીએમ કિશાન યોજનાનો લાભ આપવામાં આવશે. ફાર્મર આઈડી યોજના અંતર્ગત મંગળવારે તમામ જિલ્લા કલેકટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારીઓ સાથે રાજ્ય સરકારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક પણ યોજી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં આધારકાર્ડની જેમ જ ખેડૂતોના ફાર્મર આઈડી બનાવવા નક્કી કરેલ છે જે અન્વયે ગત તા.15 ઓક્ટોબરથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં ગુજરાત સરકાર દ્વારા મંગળવારે એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત તમામ જિલ્લા કલેકટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.
વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના આ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો આધારકાર્ડ, ખેતીવાડીના 7/12 અને 8 અના ઉતારા, આધારકાર્ડ લિંક હોય તેવા મોબાઈલ સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ફાર્મરકાર્ડ હશે તેવા ખેડૂતોને જ પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના, પીએમ કિશાન નિધિ, કિશાન ક્રેડિટ કાર્ડ, ટેકાના ભાવની યોજના અને ઈ-નામ પ્રોજેક્ટના લાભ આપશે. સાથે જ આગામી ડિસેમ્બર માસમાં ચુકવવામાં આવનાર પ્રધાનમંત્રી કિશાન નિધિના લાભ માટે પણ ફાર્મરકાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.