રાજકોટ નાગરિક બેંકના વિવાદમાં ‘કાંઇ ન ઘટે’
એક જ માતાના બે દિકરા ભાગબટાઈ ( અહી સત્તા) માટે જંગે ચડ્યા
‘સહકાર’ અને ‘સંસ્કાર’ વચ્ચે લડાઈ વધુ ઘેરી
મામા સમર્થિત પેનલ સામે ખુદ કલ્પક મણિયારે ઉમેદવારી નોંધાવી
કલ્પક મણિયારે બેંકના ડેલીગેટ ઉપર ૫૦૦ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો
રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં બે ફાંટા પડી ગયા હતા અને જબરો આંતરિક ધૂંધવાટ થયો હતો.હવે આવું ફરી એક વખત રાજકોટમાં થવા જઈ રહ્યુ છે. અંદાજે ૧૦ લાખ લોકોનો પરિવાર ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડીરેક્ટરોની ચૂંટણીમાં અગાઉ ક્યારેય ન થયુ હોય તેવું થયુ છે અને એક જ માતાના બે દિકરા ભાગબટાઈ ( અહી સત્તા) માટે લડે તેવો સિનારિયો ઉભો થયો છે.
હાલના બેન્કના સત્તાધીશોની સહકાર પેનલના ૨૧ ઉમેદવારોએ ફોર્મ રજુ કરી દીધા છે અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી કલ્પક મણિયારનાં નેતૃત્વમાં સંસ્કાર પેનલે શુક્રવારે કલેકટર સમક્ષ પોતાના ઉમેદવારી પત્ર રજુ કર્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, બેંક સામે અવાજ ઉઠાવનાર કલ્પક મણિયાર પોતે ચૂંટણીમાં ઉભા રહ્યા છે. તેમની ઉમેદવારી સાથે જ ગરમાવો આવી ગયો છે.
આ વિવાદ એટલો બધો ઘેરો થઇ ગયો છે કે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ લડતા હોય તેવું લાગી રહ્યું છે. રોજેરોજ આક્ષેપો થઇ રહ્યા છે અને જવાબો આપવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઈરલ થઈ હતી. જેમાં કલ્પક મણિયાર સામે મુંબઈ હાઇકોર્ટે તપાસનો હુકમ કરવામાં આવ્યો છે તેવું લખીને સિર્ફ કુછ ગરબડ નહી, બહોત કુછ ગરબડ હૈ..દયા…એવો ડાયલોગ લખવામાં આવ્યો હતો. આ પોસ્ટ વાઈરલ કરનાર રાજકોટ નાગરિક બેંકનાં ડેલીગેટ જયેશ સંઘાણી ઉપર કલ્પક મણિયારે ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે.
નાગરિક બેન્કની ચૂંટણી : બદનામી અને બદનક્ષીની રમત

કલ્પક મણિયારે બેન્કના ડેલીગેટને ફટકારી ૫૦૦ કરોડની બદનક્ષીની નોટિસ
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી બદનામી અને બદનક્ષીનો પર્યાય બની ગઈ છે. કોઠી ધોઈને બધા કાદવ બહાર કાઢી રહ્યા છે. બધા એક બીજાની ચોટલી પકડી શકે તેમ છે અને એક બીજાના માઈનસ પોઈન્ટ પણ જાણે છે. નાગરિક બેંકમાં વેરના બીજ રોપાયાને એક વરસથી વધુનો સમય થઇ ગયો છે અને આ બીજ મોટુ વ્રુક્ષ બની ગયુ છે. ભાજપ અને સંઘની બદનામી થઇ રહી છે અને એકબીજાની બદનક્ષી પણ થઇ રહી છે. કલ્પક મણિયારે કૌભાંડ કર્યુ છે અને તેને મુંબઈ હાઇકોર્ટનું સમન્સ આવ્યું છે તે સમાચારોને ટીવી સીરીયલના અંદાજમાં સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બેન્કના ડેલીગેટ જયેશ સંઘાણી ઉપર ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.
સંસ્કાર પેનલે એક યાદીમાં જણાવ્યું છે કે, સીનીયર એડવોકેટ બી.બી. ગોગિયા મારફત આ ૫૦૦ કરોડની નોટીસ ફટકારવામાં આવી છે. જયેશ રસિકલાલ સંઘાણી જે બેન્કના ડેલીગેટ છે તેમણે કલ્પકભાઈ વિરુદ્ધ પાયાવિહોણી, મનઘડંત અને બદઈરાદાપૂર્વકની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી છે તેથી આ બદનક્ષીની નોટીસ ફટકારવામાં આવી છે. બેન્કના ૨૧ ડીરેક્ટરોની ચૂંટણી ૧૭મીએ યોજાઈ રહી છે ત્યારે તેમણે હરીફ જૂથનાં હાથા બનીને આ ગુનાહિત કૃત્ય કર્યુ છે.
યાદીમાં જણાવાયા અનુસાર, કલ્પકભાઈ સામેના આવા બેહુદા વાયરલ મેસેજમાં અરવિંદભાઈનું નામ ઢસડનાર અને તેને વાઈરલ કરવાનો પ્રયત્ન કરનારને બદનક્ષીની નોટીસ આપી દીધી છે.
આ યાદીમાં કાલબાદેવી અને જુનાગઢ બ્રાંચના કૌભાંડોનો પણ ઉલ્લેખ છે અને કલ્પક મણિયાર સામે થયેલા આક્ષેપો અને તેના જવાબો પણ આપવામાં આવ્યા છે. આ નોટીસ ફટકારવામાં આવતા બેન્કિંગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આવા લોકો ફરી વાર સત્તામાં ન આવે તે માટેની લડાઈ

સંસ્કાર પેનલમાંથી ખુદ કલ્પક મણિયારે ઉમેદવારી નોંધાવી
પેનલમાં મિહિર મણિયાર, ડો. ડી.કે.શાહ, લલિતભાઈ વડેરિયા સહિતના ૧૫ નામ સામેલ

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલના ફોર્મ ભરાઈ ગયા પછી શુક્રવારે છેલ્લા દિવસે સંસ્કાર પેનલનાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, સંસ્કાર પેનલમાંથી ખુદ કલ્પક મણિયારે ઉમેદવારી નોંધાવી છે.
શુક્રવારે સંસ્કાર પેનલનાં ૧૫ ઉમેદવારોએ જિલ્લા કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી પત્ર રજુ કર્યા બાદ કલ્પક મણિયારે મીડીયાને કહ્યું હતું કે, બેન્કમાં ચાલી રહેલા કૌભાંડો પ્રત્યે વર્તમાન શાસકોએ આંખ આડા કાન કર્યા છે તેથી અમારે બહાર આવવુ પડ્યું છે. અમે અવાજ ઉઠાવ્યો તો અમને હેરાન કરવામાં આવે છે. અમે છેલ્લા એક-સવા વર્ષથી સત્ય બહાર લાવવા પ્રયત્નો કરીએ છીએ.
તેમણે એમ પણ કહ્યુ હતું કે, બેન્કના ૧૦ લાખ લોકોના પરિવાર સાથે વિશ્વાસઘાત કરનારા લોકો ફરી વાર સત્તામાં ન આવે તે માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અમારી સંસ્કાર પેનલના તમામ ઉમેદવારો ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. અમે આ ચૂંટણી નિર્ભીકતાથી લડીએ છીએ.