જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો નહીં, કેમેરામાં કેદ થવાની ‘ભૂખ’ સંતોષતાં નગરસેવકો !
સાવ
ચીલાચાલું’ કહી શકાય તેવા મગન સોરઠિયાના ગ્રાન્ટના પ્રશ્નમાં જ એક કલાક વેડફી નખાઈ
જેવો કેમેરો પોતાના ઉપર આવ્યો એટલે ઉભા થઈને બૂમ-બરાડા જ પાડ્યે રાખ્યા
કોંગ્રેસના સાગઠિયાએ ૧૧:૨૩એ રોગચાળાનો મુદ્દો ઉઠાવ્યો, ૧૧:૩૬ સુધી ચર્ચા કરવા માંગ કરી પણ ફાવવા ન દઈને ૧૧:૩૬એ બહાર કાઢી મુકાયા
એકબીજા ઉપર જૂનો કાદવ ઉછાળવાની પરંપરા પૂર્ણ થવાનું નામ જ લઈ રહી નથી

મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડ મતલબ કે સામાન્ય સભા મળે છે જેમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકો દ્વારા પ્રજાને લગત પ્રશ્નો પૂછીને તંત્રના અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવે છે. જો કે જ્યારથી મહાપાલિકામાં ભાજપના ૬૮ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે ત્યારથી આ પરંપરા વીસરાઈ ગયાનું લાગ્યા વગર રહેતું નથી. આ જ કારણથી જનરલ બોર્ડની કાર્યવાહીમાં હવે શહેરીજનો આવવાનું ટાળી રહ્યા છે. પાછલા છ જનરલ બોર્ડ પર નજર કરવામાં આવે તો ભાજપ દ્વારા પૂરી તૈયારી કરીને જ બોર્ડની કાર્યવાહી ચાલવા દેવામાં આવતી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી કેમ કે દર વખતે એક જ પ્રશ્નમાં બોર્ડની અત્યંત કિંમતી કહી શકાય તેવી ૬૦ મિનિટ વેડફી નાખવામાં આવે છે. મંગળવારે મળેલા બોર્ડમાં પણ આવું જ જોવા મળ્યું હતું જેમાં પ્રજાના પ્રશ્નો નહીં બલ્કે નગરસેવકોએ કેમેરામાં કેદ થવાની પોતાની `ભૂખ’ સંતોષી હતી !

ભાજપના કોર્પોરેટર મગન સોરઠિયાનો પ્રશ્ન ડ્રોમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. જો કે સોરઠિયાએ લોકોને સીધી રીતે સ્પર્શે તેવો પ્રશ્ન પૂછવાની જગ્યાએ અત્યંત ચીલાચાલું કહી શકાય તેવો ગ્રાન્ટનો પ્રશ્ન પૂછયો હતો જેનો જવાબ ડે.મ્યુ.કમિશનર સ્વપ્નીલ ખરેએ આપ્યો હતો પરંતુ તેમાં એક કલાક લાગી ગઈ હતી. કંટાળો આવે તેવો પ્રશ્ન ચાલી રહ્યો હોવાને કારણે કોંગ્રેસના વશરામ સાગઠિયા દ્વારા ૧૧:૨૩ વાગ્યે ઉભા થઈને રોગચાળો વકરી રહ્યો છે અને લોકો ડેંગ્યુને કારણે મૃત્યુ પામી રહ્યા છે તેની ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ ભાજપના કોર્પોરેટરોની ફૌજે તેમની ચાલવા દીધી ન્હોતી. ૧૩ મિનિટ સુધી વશરામ સાગઠિયાએ પ્રશ્ન ચર્ચામાં લેવા માટે મથામણ કરી પરંતુ તેમને ફાવવા દેવામાં આવ્યા ન્હોતા અને આખરે ૧૧:૩૬ વાગ્યે તેમને મેયરના આદેશથી બહાર કાઢી મુકાયા હતા.

એકંદરે ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષના નગરસેવકોનું મુખ કેમેરા તરફ વધુ જોવા મળતું હતું અને કેમેરો જેવો તેમના પર કેન્દ્રીત થાય એટલે તુરંત જ ઉભા થઈને હાથ ઉંચા કરી કરીને બરાડા પાડી રહ્યા હતા. આ દૃશ્ય ઘણા જ હાસ્યાસ્પદ લાગી રહ્યા હતા પરંતુ તેનો ક્ષોભ એક પણ નગરસેવકના મોઢે જોવા મળ્યો ન્હોતો.

એજન્ડામાં સામેલ તમામ દરખાસ્તો મંજૂર: ૧૩ કોર્પોરેટરો ગેરહાજર
જનરલ બોર્ડના એજન્ડામાં અરજન્ટ બિઝનેસ સહિત ૯ દરખાસ્તો સામેલ હતી જે તમામ મંજૂર કરવામાં આવી હતી. જનરલ બોર્ડની આ કાર્યવાહીમાં ભાજપના ૧૧ કોર્પોરેટર રજા રિપોર્ટ સાથે ગેરહાજર રહ્યા હતા તો એક કોર્પોરેટર રવજી મકવાણા રજા રિપોર્ટ વગર જ હાજર રહ્યા ન્હોતા. જ્યારે કોંગ્રેસના મકબુલ દાઉદાણી પણ રજા રિપોર્ટ વગર ગેરહાજર રહ્યા હતા.

મંત્રી ભાનુબેન વંદે માતરમ્ ગાન પૂર્ણ કરી રવાના…!
જનરલ બોર્ડની કાર્યવાહી હોય ત્યારે દરેક નગરસેવકે તેમાં હાજર રહી ચર્ચામાં ભાગ લેવો જોઈએ પરંતુ પાછલા થોડા સમયથી જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તે અત્યંત કંટાળાજનક હોવાથી મોટાભાગના કોર્પોરેટરો અધિકારીઓ જવાબ આપે ત્યારે કાં તો વાતોમાં કાં તો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. દરમિયાન મંગળવારના બોર્ડમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા હાજર તો રહ્યા હતા પરંતુ જેવું વંદે માતરમ્ ગાન પૂર્ણ થયું કે તેમણે રવાનગી લઈ લીધી હતી મતલબ કે બોર્ડની કાર્યવાહીમાં કેવો પ્રશ્નો પૂછવામાં આવે છે તે સહિતની બાબતોમાં તેમણે રસ લેવાનું ટાળ્યું હતું.