સુધરતાં જ નથી: હવે ભાવનગર રોડ પર સત્સંગ પાન શોપ સીલ
ત્રણેય ઝોનમાંથી ગંદકી કરતા ૪૧ દંડાયા, ૬.૪ કિલો પ્લાસ્ટિક જપ્ત, ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ પરથી ૨૬૭૦૦ કિલો કચરાનો નિકાલ
મહાપાલિકા દ્વારા બેફામ ગંદકી ફેલાવતી હોટેલો-પાન-પફની દુકાનોને સીલ કરી દેવાની આકરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં ગંદકીને જ `પ્રેમ’ કરતાં અમુક તત્ત્વો સુધરવાનું નામ લેતાં ન હોય તેમની સામે સીલિંગનું હથિયાર ધારદાર બનાવાયું છે. આ અંતર્ગત ભાવનગર રોડ પર આવેલી સત્સંગ પાન શોપને સીલ મારી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્સંગ પાનને અગાઉ નોટિસ ફટકારી દંડ વસૂલાયો હતો છતાં તેણે કોઈ જ પ્રકારની સફાઈ ન રાખતાં આખરે તેને સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતાં ૪૧ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તો અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ કરતાં ૬.૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તે જપ્ત કરી લેવામાં આવ્યું છે. આવી જ રીતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરીને ૨૬૭૦૦ કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
