રેસકોર્સમાં મહાપાલિકા માટે બોક્સ ક્રિકેટ’ બનાવવા કોઈ તૈયાર થતું નથી !
ચૂંટણી પહેલાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ અમુકે રસ દાખવ્યો પણ
શરતો’ નડી જતાં રિ-ટેન્ડર કરાયું
પેડક રોડ અને આત્મીય કોલેજ પાસે બોક્સ ક્રિકેટનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં
રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું છે. શહેરની વાત કરવામાં આવે તો અત્યારે અનેક જગ્યાએ પ્રાઈવેટ બોક્સ ક્રિકેટ ચાલી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં લોકો રમીને આનંદ ઉઠાવી રહ્યા છે. દરમિયાન લોકસભા ચૂંટણી પહેલાં મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટે નિર્ણય લેવાયો હતો. આ પછી ચૂંટણી આચારસંહિતા નડી જતાં કામ ખોરંભાયું હતું. જો કે આચારસંહિતા પૂર્ણ થતાં જ કામ આગળ ચાલ્યું હતું અને ત્રણમાંથી બે સ્થળે બોક્સ ક્રિકેટની સુવિધા તૈયાર કરવા માટેનું કામ આપી દેવાયું હતું. જો કે રેસકોર્સ માટે કોઈ એજન્સીએ રસ ન દાખવતાં રિ-ટેન્ડર કરવામાં આવ્યું છે.
મનપા દ્વારા વોર્ડ નં.૫માં પેડક રોડ પર અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ પાસે ૩૪ લાખના ખર્ચે બોક્સ ક્રિકેટ બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં આત્મીય યુનિવર્સિટી પાછળ ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુના પ્લોટમાં પણ બોક્સ ક્રિકેટ બનશે. આ બન્ને સ્થળ માટે કોન્ટ્રાક્ટર એજન્સી ફાઈનલ થઈ જતાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી.
બીજી બાજુ રેસકોર્સમાં આર્ટ ગેલેરીની સામેના ભાગમાં બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરવા માટે ચૂંટણી પહેલાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેમાં અમુક એજન્સીએ ભાગ લીધો હતો પરંતુ તે મનપાની શરતોમાં ખરી ન ઉતરતાં ટેન્ડર મંજૂર થઈ શક્યું ન્હોતું. આ કારણથી હવે રિ-ટેન્ડર કરવામાં આવ્યું છે જેની અંતિમ તારીખ ૨૨ જૂલાઈ છે. અહીં ૩૦ લાખથી વધુના ખર્ચે કામ આપવામાં આવશે.