પેડક રોડને `ગૌરવપથ’ બનાવવામાં કોઈને રસ નથી ! ત્રીજી વખત ટેન્ડર
પાછલા બે પ્રયત્નમાં કોઈએ રસ ન લીધો: અમદાવાદના સી.જી.રોડ જેવો બનાવાની જાહેરાત તો કરી દેવાઈ પણ એજન્સીને કામ કેવી રીતે કરવું તેની સમજ ન પડતી હોવાનો તાલ !
૨૦ ઑગસ્ટ સુધીમાં કોઈ એજન્સી પ્રિ-બીડમાં પણ ભાગ લેશે તો તેને કામ શું અને કેવી રીતે કરવાનું છે તેની સમજ આપવા બેસાડાશે
રાજકોટના વોર્ડ નં.૫માં આવેલા પેડક રોડને અમદાવાદના સી.જી.રોડ જેવો ઉમદા પાર્કિંગ તેમજ લોકો વ્યવસ્થિત રીતે પગપાળા ચાલી શકે તેવો બનાવવા માટે ૧૭ કરોડનો ખર્ચ કરવાની તૈયારી મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત નાણાકીય બજેટમાં કરી દેવાયા બાદ અગાઉ બે વખત ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયા હતા. જો કે બન્ને વખત કોઈ એજન્સીએ રસ ન દાખવતાં હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે તેમાં કોઈ એજન્સી રસ દાખવે છે કે ફરી વખત ટેન્ડર કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે.
પાછલી બે વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યું ન્હોતું. અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા પેડક રોડને ગૌરવપથ ૨.૦ બનાવવાની જાહેરાત તો કરી દેવામાં આવી અને ૧૭ કરોડનો માતબર રકમ ખર્ચ કરવાની તૈયારી પણ કરી લેવાઈ પરંતુ જેણે આ કામ કરવાનું છે તે એક પણ એજન્સીને આખરે કામ કેવી રીતે કરવાનું છે તેની સમજ ન પડતી હોવાનો તાલ સર્જાઈ રહ્યો છે. હવે ૨૦ ઑગસ્ટ સુધીમાં જો કોઈ એજન્સી દ્વારા ટેન્ડરની પ્રિ-બીડ પણ ભરવામાં આવશે તો તેની સાથે બેઠક કરીને આખરે તેણે કેવી રીતે કામ કરવાનું છે તેની સમજ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેડક રોડને ગૌરવપથ બનાવવા માટે પ્રથમ તબક્કાના કામનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યારે રોડની બન્ને બાજુ પેડેસ્ટ્રીયન તેમજ પાર્કિંગ માટેની જગ્યા એક બીજામાં ભળી ગઈ હોવાથી પેડેસ્ટ્રિયન (પગપાળા) દ્વારા મહત્તમ ઉપયોગ થઈ શકતો નથી એટલા માટે આ રોડની નવેસરથી ડિઝાઈન કરવા અને પાર્કિંગ તેમજ પેડેસ્ટ્રિયન માટે અલગ-અલગ સુવિધાઓ કરવા માટેનું આયોજન કરાયું છે. આ માટે બન્ને બાજુ અંદાજે અઢી મીટરની ફૂટપાથ અને તે સાથે પાર્કિંગની વ્યવસ્થા કરાશે.