અટલ સરોવરમાં મફત પ્રવેશ નહીં મળે: ટિકિટ લેવી પડશે
એક સપ્તાહમાં ટિકિટ તેમજ રાઈડસનો દર નક્કી કરાશે: બન્નેમાંથી મહાપાલિકાને મળશે હિસ્સો: ૧ મેથી લોકો અટલ સરોવર પર ફરવા જઈ શકશે
તાજેતરમાં જ સ્માર્ટ સિટી એરિયામાં આવેલા અટલ સરોવરનું મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી લોકોને ફરવા માટે તેને ખુલ્લું મુકવામાં આવ્યું નથી તેના માટે લોકોએ ૧ મે સુધીની રાહ જોવી પડશે. આ બધાની વચ્ચે લોકોના મનમાં એક પ્રશ્ન સતત ઉદ્ભવી રહ્યો હતો કે શું અટલ સરોવર પર ફરવા જઈએ એટલે વિનામૂલ્યે અંદર પ્રવેશ મળશે કે પછી તેના માટે ટિકિટ લેવી પડશે ? આ વાતનો પ્રત્યુત્તર આપતાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે અટલ સરોવરમાં વિનામૂલ્યે કોઈને પ્રવેશ અપાશે નહીં અને તેના માટે ટિકિટ લેવી ફરજિયાત રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે અટલ સરોવરમાં પ્રવેશવાની ટિકિટ લેવી પડશે તેના ઉપરાંત અંદર રહેલી બોટિંગ, ટોયટે્રન, ફેરિસવ્હીલ સહિતની રાઈડસમાં બેસવા માટેની ટિકિટ પણ અલગથી લેવાની રહેશે. આ બન્ને ટિકિટનો દર એક સપ્તાહની અંદર નક્કી કરી લેવામાં આવશે. જો કે આ ટિકિટનો દર કેટલો હશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ દર નક્કી કર્યા બાદ તેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે અને કમિટી દ્વારા મંજૂરી મળ્યા બાદ જ તેનો અમલ શરૂ કરાશે.
જો કે ટિકિટની આવકમાંથી મહાપાલિકાને અમુક હિસ્સેદારી મળનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હરવા-ફરવા માટે અત્યારે રેસકોર્સ, આજી-ન્યારી ડેમ સહિતના સ્થળો છે જ્યાં વિનામૂલ્યે પ્રવેશ મળી રહ્યો છે. જ્યારે પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના સ્થળે ટિકિટ લેવી ફરજિયાત છે ત્યારે હવે વધુ એક ફરવાના સ્થળ એવા અટલ સરોવર ઉપર પણ ફરવા જનારે પોતાનું ખીસ્સું હળવું કરવું પડશે.
