રાજકોટમાં રાત્રિના ટ્રાફિક પોલીસ ઘોર નિદ્રામાં !!
અમીન માર્ગ રોડ પર રાત્રિના 10 વાગ્યે લોકોએ આડેધડ વાહનો પાર્ક કરતાં ટ્રાફિકજામ થયો : સ્થાનિકે ટ્રાફિક કંટ્રોલમાં ફરિયાદ કરી તો ગ્રીન લેન્ડ ચોકડી પર રહેલી પીસીઆર વાનને અમીન માર્ગ પર ટ્રાફિક ક્લિયર કરવા માટેનું કહેવામાં આવ્યું : એક કલાક બાદ પણ કોઈ પીસીઆર આવી જ નહીં
દિવસના જે રોડ પર ટોઇંગ વાન સતત ફરતી રહે છે તે રોડ પર રાત્રિની ટ્રાફિક સમસ્યામાં કોઈએ રસ જ ન લીધો
શહેરમાં ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની ગઇ છે. ખાસ કરીને મુખ્ય ચાર રસ્તા ઉપર સિગ્નલનો અમલ થતો નથી, ટ્રાફિક પોલીસ ઉપસ્થિત રહેતા નથી અને ઉપસ્થિત હોય તો પણ તેઓ આરામ ફરમાવતા હોય છે. જેથી કોઇ વાહનચાલક ટ્રાફિકના નિયમને અનુસરતો ન હોવાથી ટ્રાફિકજામ અને નાના, મોટા અકસ્માત સર્જાતા રહે છે.ત્યારે દિવસની જેમ રાત્રિના પણ ટ્રાફિક પોલીસ નિદ્રામાં રહેતું હોય તેવું માલૂમ પડી રહ્યું છે.શનિવાર રાત્રિના 10 વાગ્યા આસપાસ અમીન માર્ગ મેઇન રોડ અક્ષર માર્ગ ચોકમાં લોકોએ આડેધડ વાહનો પાર્ક કર્યા હોવાથી ચોકમાં ટ્રાફિક જામ થયો હતો.જેથી સ્થાનિક દ્વારા ટ્રાફિક કંટ્રોલમાં ફોન કરી ફરિયાદ કરી હતી.છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ કર્મચારીને મોકલવામાં આવ્યા ન હતા.અને અમીન માર્ગ પરનો ટ્રાફિક જામ દૂર કરવા માટે ગ્રીન લેન્ડ ચોકડી પાસે રહેલી પીસીઆરને જાણ કરવામાં આવી હતી.
વિગત મુજબ શનિવાર રાત્રિના 10 વાગ્યા આસપાસ અમીન માર્ગ મેઇન રોડ પર અક્ષર માર્ગ ચોકમાં લોકોએ માર્ગ પર જ વાહન પાર્ક કરી દેતા ટ્રાફિક જામ થયો હતો.જેથી સ્થાનિક વ્યક્તિ દ્વારા આ બાબતે ટ્રાફિક કંટ્રોલ પર ફોન કરી જાણ કરવામાં આવી હતી.ત્યારે ટ્રાફિક કંટ્રોલ દ્વારા તમામ વિગત જાણી અને થોડી જ વારમાં પીસીઆરને મોકલી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.અને 10 મિનિટ બાદ મહેશભાઈ નામના પીસીઆરમાં રહેલા કોન્સટેબલનો ફોન આવ્યો હતો.અને તેને ફરિયાદ કરનાર વ્યક્તિ પાસેથી તમામ વિગતો મેળવી હતી.અને બાદમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ પીસીઆર વાન સાથે તેઓ ગ્રીન લેન્ડ ચોકડી પાસે છે અને અહીથી તેઓ સંત કબીર રોડ પર જઈ અને બાદમાં અમીન માર્ગ પરની ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે પહોંચી જશે.જેથી ફરિયાદ કરનાર વ્યક્તિએ પૂછ્યું હતું કે, અંદાજે કેટલો સમય આપને અહી પહોંચતા થશે ? તો એમને અડધી કલાકથી પણ વધુ જેટલો સમય લાગી જશે તેમ જણાવ્યું હતું.
પરંતુ એક કલાક બાદ પણ કોઈ પીસીઆર વાન આવી ન હતી.અને અમીન માર્ગ પરનો ટ્રાફિક તેની રીતે જ ક્લિયર થઈ ગયો હતો.જેથી જે રોડ પર દિવસના સતત ટોઇંગ વાન આંટા મારતી હોય છે.તે રોડ પર રાત્રિના ટ્રાફિક પોલીસ દ્વારા રસ જ લેવામાં આવતો નથી.દિવસના તો નો પાર્કિંગમાં પડેલી કાર કે ટુ વ્હીલરને તુરંત જ લોક અને ટોઇંગ કરી વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે.પરંતુ સામે રાત્રિના મોટી માત્રામાં ટ્રાફિક જામ થાય તો પણ પોલીસ દ્વારા પૂરતું ધ્યાન દેવા આવતું નથી.
