નવા પો.કમિશનર-મ્યુ.કમિશનર આવ્યા: કામગીરીનો ધમધમાટ
રાતોરાત થયેલા ફેરફાર બાદ પોલીસ-મનપા કચેરીમાં અજીબ સન્નાટો: જૂના ભારે હૈયે' રવાના !
સીપી બ્રજેશ ઝાએ વહેલી સવારે જ ચાર્જ સંભાળી લઈ ઘટનાસ્થળ, ક્રાઈમ બ્રાન્ચ કચેરી, સિવિલની મુલાકાત લીધી
મ્યુ.કમિશનર દેવાંગ દેસાઈએ આવતાં વેત બેઠકોનો ધમધમાટ કર્યો શરૂ
નવનિયુક્ત ડીસીપી જગદીશ બાંગરવા પણ તપાસમાં
એક્ટિવ’: તમામની એક જ પ્રાથમિક્તા અગ્નિકાંડની તપાસના મુળ સુધી પહોંચવું
ટીઆરપી ગેઈમ ઝોનના અગ્નિકાંડને કારણે સરકાર હચમચી ઉઠી છે. બે પીઆઈ સહિત સાતને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ડીસીપી, મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક હટાવી દેવાયા બાદ મનપા અને પોલીસ બન્ને કચેરીમાં અજીબ સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. જૂના અધિકારીઓની બદલી થયાની ગણતરીની કલાકોમાં જ નવા અધિકારીઓએ પોતપોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બીજી બાજુ જૂના અધિકારીઓએ ભારે હૈયે' રાજકોટથી
વિદાય’ લઈ લીધી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરીને તેમના સ્થાને બ્રજેશ કુમાર ઝાને મુકવામાં આવ્યા છે જેઓ સોમવારે મોડીરાત્રે ૧:૩૦ વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા. આ પછી મંગળવારે વહેલી સવારે તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. આ સાથે જ રાજકોટમાં એવું પહેલી વખત બન્યું છે જ્યારે જૂના અધિકારીને વિદાય અને નવા અધિકારીને ગાર્ડ ઑફ ઓનર અપાયા વગર જ ચાર્જ સંભાળવો પડ્યો છે. આ જ રીતે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ પણ ગાંધીનગર પહોંચી ગયા છે અને તેમના સ્થાને બદલી થઈને આવેલા `ઔડા’ના ચેરમેન દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળી લઈ મનપા કચેરીમાં બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
જ્યારે ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈના સ્થાને જગદીશ બાંગરવા મુકાયા છે અને તેમણે પણ વિધિવત રીતે સવારથી પોતાનો ચાર્જ ગ્રહણ કરી લીધો હતો. નવા આવેલા અધિકારીઓની એક જ પ્રાથમિક્તા અત્યારે રહેશે કે અગ્નિકાંડની તપાસના મુળ સુધી પહોંચી જવાબદારોને સજા મળે.
આનંદ પટેલ મનપા કચેરીમાં આવ્યા, કોઈને મળ્યા વગર જ થયા રવાના
તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ મંગળવારે મનપા કચેરીમાં આવ્યા હતા પરંતુ કોઈને મળ્યા વગર જ પોતાનો ચાર્જ છોડી ગાંધીનગર રવાના થઈ ગયા હતા. તેઓ પોતાની ઓફિસમાં ગયા બાદ સ્ટાફને પણ અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે આ પ્રકારે બદલી થશે તેની કદાચ તેમને કલ્પના પણ નહીં હોય. આ જ રીતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ અર્ધી રાત્રે જ પોતાનો ચાર્જ છોડી દીધો હતો.
ટીપીઓ સાગઠિયા સામે શું કાર્યવાહી કરવી ? જનરલ બોર્ડ નિર્ણય લેશે
આ સમગ્ર કાંડમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની જવાબદારી પણ એટલી જ બની રહી હોવાથી સરકાર દ્વારા તેમની પાસેથી ટીપીઓનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. હવે તેમના સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવશે. જનરલ બોર્ડમાં ઠરાવ કર્યા બાદ ટીપીઓની પસંદગી થતી હોય હવે તેમને સસ્પેન્ડ કરવા કે નહીં તેનો નિર્ણય પણ બોર્ડ જ લેશે.
અમારી પ્રાથમિક્તા નાનામાં નાના પૂરાવા એકઠા કરી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવાની: ડીસીપી
રાજકોટના નવનિયુક્ત ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે દૂર્ઘટના બની છે તે અત્યંત દુ:ખદ છે ત્યારે હવે આ દૂર્ઘટનામાં નાનામાં નાના પૂરાવા એકઠા કરીને મજબૂત ચાર્જશીટ તૈયાર કરી આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની અમારી પ્રાથમિક્તા રહેશે. અત્યારે સમગ્ર પોલીસ તંત્રનું ધ્યાન આ દૂર્ઘટના ઉપર કેન્દ્રીત છે. જ્યારે આવનારા સમયમાં લોકોના માનસમાં પ્રત્યે વિશ્વાસનો સેતુ કેળવવા અમે પ્રયત્નશીલ રહીશું.
ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી મનપાનો લક્ષ્યાંક: હવે કોઈ કચાશ નહીં રહે
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળતાં પહેલાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ દૂર્ઘટનાનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. જો કે આવું ફરીવાર ન બને તે માટે પૂરતી તકેદારી અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ખાસ કરીને ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી જ હવે મહાપાલિકાનો લક્ષ્યાંક રહેશે અને તેનું પાલન કરાવવા માટે તંત્ર કડક હાથે કામ લેતાં પણ અચાશે નહીં.
ત્રણેય પોલીસ અધિકારી રાજકોટથી રાતોરાત રવાના
સરકાર દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી સુધીરકુમાર દેસાઈને બદલીના હુકમ કરતા જ ત્રણેય પોલીસ અધિકારી રાજકોટથી રાતોરાત રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોતાની સરકારી કાર પણ જમા કરાવી દીધી હતી. જ્યારે એડિશનલ સીપી તેમજ ડીસીપીએ પણ પોતાનો મોબાઈલ તેમજ સરકારી કાર જમા કરાવી રવાનગી લીધી હતી.