જુના ડબ્બામાં નવું તેલ નહીં ચાલે, 200 તેલમિલરને નોટિસ
એફએસએસઆઈની ચેતવણી છતાં જુના ડબ્બામાં તેલનું ધૂમ વેચાણ
રાજકોટ, ગોંડલ, અમદાવાદ અને મહેસાણા સહિતના મિલર્સ, પેકર્સ ઝપટે ચડયા
ગુજરાત સહિત દેશભરમાં જુના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ કરવાની મનાઈ ફરમાવવા છતાં તેલમિલર્સ અને પેકર્સ દ્વારા મોટાપ્રમાણમાં તેલના જુના ખાલી ડબ્બામાં જ નવા તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું એફએસએસએઆઈ એટલે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતના આવા 650 જેટલા ઓઇલમીલરો અને પેકર્સને ઓળખી કાઢી શરૂઆતના તબ્બકે 200 તેલીયારાજાઓને નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, ગુજરાતના ઓઇલમીલર્સમાં બે ભાગલા છે જેમાં એક ગ્રુપ જુના ડબ્બામાં તેલ વેચાણની વિરુદ્ધ છે જયારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનેક એવા મિલર્સ પણ છે જેઓએ જુના ડબ્બામાં નવા તેલનું વેચાણ ચાલુ રાખ્યું છે.
સેન્ટ્રલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ગુજરાતમાં લગભગ 200 મિલરો, તેલ ઉત્પાદકો અને રિપેકર્સને રિસાયકલ કરેલા ટીન એટલે કે જુના તેલના ડબ્બાનો ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ ફટકારી છે એફએસએસએઆઈ દ્વારા રાજ્યમાં આવા 650 થી વધુ એકમોની યાદી તૈયાર કરી છે કે, જેઓ રાજ્યમાં રિસાયકલ ટીનનો ઉપયોગ કરી રહ્યા છે જેમાંથી 200 ને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. આગામી દિવસોમાં બાકી રહેતા તમામ 400થી વધુ તેલ મિલરોને નોટિસ પાઠવશે અને તેમની સામે કાર્યવાહી કરશે.હાલમાં ગોંડલ, રાજકોટ, અમદાવાદ, સાણંદ, ચાંગોદર, મહેસાણા અને કડીના તેલમિલર્સ અને પેકર્સનો સમાવેશ થતો હોવાનું અને સેન્ટ્રલ એફએસએસએઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું રાજકોટની કચેરીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટી કાયદા હેઠળ, ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી પેક કરવા માટે જૂના કેન, ટીન અને ડબ્બા (રિસાયકલ ટીન) ના ઉપયોગ પર પ્રતિબંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની અનેક ચેતવણીઓ છતાં નાની કંપનીઓ, મિલરો, તેલ ઉત્પાદકો, વેપારીઓ અને રિપેકર્સ ચાલુ છે.બીજી તરફ જાહેર આરોગ્યને જોખમમાં મૂકતા નફા માટે જુના ડબ્બાનો વપરાશ કરતા તેલ મિલર્સ અને પેકર્સ જો જુના ડબ્બાનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા પણ તંત્રએ જણાવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ, FSSAO આવા મિલર્સને મોટા દંડ કરી શકે છે.હાલમાં જે 200 તેલ ઉત્પાદકો અને રિપેકર્સને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં અમદાવાદ, સાણંદ, ચાંગોદર, મહેસાણા, કડી, સુરત, ગોંડલ અને રાજકોટના એકમોનો સમાવેશ થાય છે.