મવડી મેઈન રોડની નવી ઓળખ : દબાણ મેઈન રોડ
જેટલા સ્ક્વેર ફૂટની દુકાન હોય છે એટલા જ સ્ક્વેર ફૂટનું દબાણ થઇ જાય છે
ફૂટપાથ ઉપર ચાલવાની જગ્યા નથી એટલે લોકો રોડ ઉપર ચાલે છે
મહાપાલિકાની એસ્ટેટ બ્રાંચ આ રોડ ઉપર ધ્રુતરાષ્ટ્ર બની જાય છે
રાજકોટમાં ફૂટપાથ ઉપર દબાણ તો બધા જ વિસ્તારમાં થાય છે પણ મવડી મેઈન રોડ ઉપરની ફૂટપાથ ઉપર જે દબાણ થાય છે તેનો જોટો જડે એમ નથી. અહીના દુકાનદારો ફૂટપાથને પોતાની FSI માનીને ધંધો કરે છે. આ રોડ ઉપર ઘણી જગ્યાએ તો દુકાન, દુકાનની આગાળ રેંકડી અને રેંકડીની આગળ (અથવા આજુબાજુમાં ) વાહન પાર્કિંગ હોય છે.
દિલ્હી કે દુબઈ જેવા રસ્તા હોય તો તો ઠીક પરંતુ આ રાજકોટના રસ્તા છે. આમ પણ સાંકડા હોય છે અને એમાં ઉપરથી આવી પરિસ્થિતિ હોય છે. આ રસ્તા ઉપર નીકળો તો તે મવડી રોડ છે કે દબાણ રોડ છે તે કહેવું મુશ્કેલભર્યું થઇ જાય છે.
અહી જે તસવીરો પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો કે એક રેડીમેઈડ કપડાના વેપારીએ આખેઆખી ફૂટપાથનો કબજો કરી લીધો છે અને ત્યાં એક ડઝન જેટલાં મેનીક્વીન ગોઠવી દીધા છે. દુરથી જુઓ તો દુકાનની બહાર લોકોનું ટોળુ ઉભું હોય એવું લાગે પણ અહી તો કપડા પહેરાવીને પુતળા ઉભા રાખી દીધા છે.
આ સિવાય આખા રોડ ઉપર ( એટલે કે ફૂટપાથ ઉપર ) સ્ટેન્ડી અને નાના નાના ડિસ્પ્લે બોર્ડ પથરાયેલા છે. અને જ્યાં અવ બોર્ડ નથી ત્યાં ટુ-વ્હીલર્સનું દબાણ છે. આ વાહનો દુકાન માલિકોનાં પણ હોય છે અને ખરીદી માટે આવતા લોકોના પણ હોય છે.
આવી સ્થિતિમાં મરો બિચારા પગપાળા કરતા લોકોનો થાય છે. ફૂટપાથ ઉપર જઈ શકે તેમ નથી હોતા અને રોડ ઉપર ચાલે તો વાહનની ઠોકર લાગવાનો ડર લાગે છે.
આમ તો આ પ્રકારના દબાણો હટાવવાની ફરજ મહાપાલિકાના એસ્ટેટ વિભાગની આવે છે પણ કેટલાક ‘ અંગત ‘ કારણોસર આ એસ્ટેટ વિભાગ અહી ધૃતરાષ્ટ્ર બની જાય છે. તેમને આ દબાણ દેખાતું જ નથી. વોઈસ ઓફ ડેએ સંજય દ્રષ્ટિથી આ દબાણ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે મહાપાલિકાના મોટા મોટા અધિકારીઓ માત્ર આ ફોટા જોશે કે એસ્ટેટ વિભાગની આંખેથી પટ્ટી હટાવશે.