રેલનગરમાં નવો કોમ્યુનિટી હોલ, નવું આરોગ્ય કેન્દ્ર-ટીબી સેન્ટર, મોટામવા પુલ વધુ મજબૂત બનશે
સાગઠિયા-ખેર સામે કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટી આજે આપશે મંજૂરી
ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર, પોપટપરા મેઈન રોડ, વાલ્મીકિ આવાસ યોજના પાસેના વિસ્તાર સહિત પાંચ સ્થળે નવા સ્લેબ કલ્વર્ટ બનાવવા દરખાસ્ત
અટલ સરોવર ખાતે મળનારી બેઠકમાં ૫૭ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે અટલ સરોવર ખાતે બેઠક મળશે જેમાં અલગ-અલગ ૫૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડામાં રેલનગરમાં નવો કોમ્યુનિટી હોલ, નવું આરોગ્ય-ટીબી સેન્ટર ઉપરાંત મોટામવા સ્મશાન પાસેનો પુલ વધુ મજબૂત બનાવવા સહિતની દરખાસ્તો સામેલ છે જેના ઉપર ચેરમેન જયમીન ઠાકર સહિતની સમિતિ નિર્ણય લેશે.
આ ઉપરાંત વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર, પોપટપરા મેઈન રોડ ઉપર જેલની સામે, વાલ્મીકિ આવાસ યોજના પાસે, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી મેઈન રોડ તેમજ વોર્ડ નં.૧૭માં નંદા હોલ, કોઠારિયા મેઈન રોડ સહિત પાંચ સ્થળે વોંકળા ઉપર નવા પુલ બનાવવા માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ કસાડ ક્નસલ્ટન્ટ-અમદાવાદને કામ આપવાની દરખાસ્ત કરાઈ છે જેના ઉપર નિર્ણય લેવાશે.
આ જ રીતે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના દોષિત એવા તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના સામે કાર્યવાહી કરવા માટે એસીપી-ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લખાયેલા પત્ર અંગે આજે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેશે.
વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ૮.૬૨ કરોડના ખર્ચે ટીપી સ્કીમ નં.૧૯, ફાઈનલ પ્લોટ નં.૮-એ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ વિનય ઈન્ફ્રાટેક પ્રા.લિ.ને ૦.૮૯% વધુ ભાવથી આપવાની દરખાસ્ત કરાઈ છે તો આ જ વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર અને સિટી ટીપી સેન્ટર ૩.૨૩ કરોડના ખર્ચે બનાવવાની દરખાસ્ત આવી છે. જે કામ કરવા માટે ગાયત્રી એન્ટરપ્રાઈઝે ૨.૭૦% ડાઉન ભાવની ઓફર કરી હોય તેને કામ અપાય તેવી શક્યતા છે.
વોર્ડ નં.૧૧માં મોટામવા સ્મશાન પાસેના જૂના બ્રિજને ૮૨.૭૧ લાખના ખર્ચે વધુ મજબૂત બનાવવા માટે ઈનોવેટિવ એન્ટરપ્રાઈઝને ૨૧.૧૧% વધુ ભાવથી કામ આપવાની દરખાસ્ત કરાઈ છે.
મનપામાં ૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મીઓને નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૦૦૫ બાદ મહાપાલિકામાં ભરતી થયેલા કર્મચારીઓને એનપીએસ (નવી વર્ધિત પેન્શન સ્કીમ)નો લાભ આપવા અંગેની દરખાસ્ત કરવામાં આવી છે જેના ઉપર નિર્ણય લેવામાં આવશે. સરકારના નાણાવિભાગના ઠરાવ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫થી તા.૧-૪-૨૦૦૫ પછી એનપીએસમાં નિમણૂક પામેલ કર્મચારીઓના ફાળાની ૧૦% રકમ સામે સંસ્થાના ફાળાની રકમ ૧૪% કરાઈ હતી જે ઠરાવની અમલવારી મહાપાલિકામાં પણ કરાશે.