ઊડતી ધૂળ-કચરા વચ્ચે તૈયાર થતી ઇંડા-નોનવેજની વાનગી કેવી હશે કહેવાની જરૂર છે?
ચેકિંગ કરાય તો ૧૦માંથી ૬ રેંકડીઓ એવી મળશે જ્યાં ડુંગળી કે ટમેટામાંથી માથું ફાડી નાખે તેવી વાસ આવતી જ હોય, શું આ વસ્તુ બીમારી નહીં નોંતરતી હોય?
૪૦થી લઇ ૪૦૦ રૂપિયા ચૂકવી સ્વાદનો ચટાકો માણવા ઊમટી પડતાં લોકોને હલકી કક્ષાના મરી-
મસાલા ધાબડતાં ઈંડા-નોનવેજના ધંધાર્થીઓને સબક શિખવવાની મનપામાં હિંમત જ નથી
વૉઈસ ઑફ ડે' દ્વારા
પ્રજાનો અવાજ’ બનીને ઈંડા-નોનવેજના ગેરકાયદેસર થઈ રહેલા વેચાણના વ્યાપક દૂષણ સામે લોકોપયોગી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને પગલે જવાબદાર તંત્રમાં રીતસરની હલચલ અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. જો કે આ ઝુંબેશનું નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી તેને જ ચાલું રાખવામાં આવનાર હોવાથી આજે તેના ત્રીજા એપિસોડમાં ઈંડા-નોનવેજની વાનગી કેવી સ્થિતિમાં તૈયાર થાય છે તેના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આમ તો રાજકોટમાં ઈંડા-નોનવેજની એકેય દુકાન કે રેંકડી-કેબિનને લાયસન્સ નહીં ઈશ્યુ કર્યાનો ખુદ મહાપાલિકાએ જ સ્વીકાર કર્યો છે એટલા માટે આ વેચાણ ગેરકાયદેસર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે ત્યારે જાહેરમાં ઉભી રાખીને રેંકડીમાં બનતી ઈંડા-નોનવેજની વાનગી ઉડતી ધૂળ અને ઉડતાં કચરા વચ્ચે જ તૈયાર થઈ રહી છે તે વાતનો સ્વીકાર કોણ નહીં કરે? જાણકારોના જણાવ્યા પ્રમાણે ઈંડા-નોનવેજની ઠેર-ઠેર રસ્તા ઉપર ખડકાયેલી રેંકડીનું નીતિ-નિયમ અને દાનત સાથે ચેકિંગ કરવામાં આવે તો ૧૦માંથી ૬ રેંકડીઓ એવી મળશે જ્યાં ડુંગળી કે ટમેટામાંથી માથું ફાડી નાખે તેવી વાસ આવતી હોય છે.
આવી ગંદી વસ્તુથી બનાવાયેલી ઈંડા-નોનવેજની વાનગી ખાવાને કારણે શું બીમારી નહીં થતી હોય ? શા માટે ફૂડ શાખાના ધ્યાન ઉપર આ મુદ્દો આવી રહ્યો નથી કે પછી `દબાણવશ’ તે આ મુદ્દે કાર્યવાહી કરવા માંગતી નહીં હોય? ઈંડા-નોનવેજની એક પ્લેટનો ભાવ ૪૦થી લઈ ૪૦૦ રૂપિયા સુધીનો હોય છે અને સ્વાદશોખીનો હસતાં હસતાં આટલો ખર્ચ કરીને તેને આરોગી પણ રહ્યા છે ત્યારે શા માટે આટલા પૈસા ચૂકવીને પણ તેઓ હલકી કક્ષાની વસ્તુઓ પોતાના પેટમાં પધરાવે? બીજી બાજુ મહાપાલિકા દ્વારા કેમ આ પ્રકારે હલકી કક્ષાના મરી-મસાલા ધાબડી રહેલા ધંધાર્થીઓને ક્યારેય ન ભૂલાય તેવો સબક શીખવવામાં આવી રહ્યો ? શું તંત્રમાં એટલી પણ ત્રેવડ નહીં હોય? આ જવાબદારી મુખ્યત્વે ફૂડ શાખાની છે અને જો ગંદકી વચ્ચે વાનગી તૈયાર થતી હોય તો તે જોવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની જ રહે છે.
અત્રે સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે શહેરમાં ઠેકઠેકાણે આડેધડ ખડકાઈ ગયેલા રેંકડી-કેબિનના દબાણો દબાણહટાવ શાખાને દેખાતાં જ કેમ નહીં હોય? શું મહાપાલિકાની જ ચારેય શાખાઓ એક થઈને કામ કરી શકે અથવા તો તેમની પાસે કામ કરાવવામાં મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નિષ્ફળ રહેતા હશે?
માત્ર ઇંડા-નોનવેજ જ નહીં, વેજ વાનગી વેંચતી રેંકડીઓનું ચેકિંગ પણ જરૂરી
રાજકોટમાં ગણી ન શકાય તેટલી સંખ્યામાં ખાણી-પીણીનું વેચાણ કરતી રેંકડી-કેબિનો જ્યાં-ત્યાં ખડકાઇ ગઇ છે. આ પૈકીની ઇંડા-નોનવેજનું વેચાણ કરતી રેંકડીઓમાં તો ચેકિંગની ખાસ જરૂરિયાત છે જ, સાથે સાથે વેજ વાનગીઓ બનાવીને પીરસતી રેંકડીઓમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવે તે આજના સમયની માંગ છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત ખાણીપીણીનું વેચાણ કરતી દુકાનો તેમજ રેંકડીઓનું ચેકિંગ કરવામાં આવે છે જેમાં મહત્તમ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવવા છતાં તે ધંધાર્થીને ધંધો કરવા દેવામાં આવતો હોવાથી શું આ લોકોના આરોગ્ય સાથે ચેડાં નહીં ગણાય? આ સહિતના અનેક પ્રશ્નો અત્યારે લોકો પૂછી રહ્યા છે.
નડતરરૂપ-અડચણરૂપ હોય તો ૧૦૦% હટાવવા જ પડે: ડૉ.પ્રદીપ ડવ
રાજકોટના પૂર્વ મેયર અને જેમના કાર્યકાળમાં ઈંડા-નોનવેજનું જાહેર રસ્તા પર ઉભું થઈ ગયેલું દૂષણ દૂર થયું હતું તેવા ડૉ.પ્રદીપ ડવે `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મેયર તરીકે કાર્યરત હતા ત્યારે તેમને ઈંડા-નોનવેજની ગેરકાયદેસર ખડકાયેલી રેંકડી-દુકાનો અંગેની ફરિયાદો મળતાં જ તેમણે તાત્કાલિક એક્શન લઈને ફૂલછાબ ચોક, કુંડલિયા કોલેજવાળો રોડ, શાસ્ત્રી મેદાન પાસે, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી દબાણો દૂર કરાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લોકોને નડતરરૂપ હોય, ટ્રાફિકને અડચણરૂપ થતું હોય તો દબાણ ૧૦૦% હટાવવું જ જોઈએ.
સ્ટાફ ચેકિંગ કરવા જાય ત્યારે હુમલાના અનેક દાખલા: તો શું ડરી જવાનું?
જાણવા તો એવું પણ મળી રહ્યું છે કે મહાપાલિકાની ફૂડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દબાણ હટાવ તેમજ વિજિલન્સ શાખાએ ભૂતકાળમાં અનેક જગ્યાએ ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી ત્યારે ઈંડા-નોનવેજના ધંધાર્થીઓ દ્વારા હથિયારોથી હુમલા થવા ઉપરાંત સ્ટાફને મારવા માટે પાછળ દોડ્યાના દાખલા છે ત્યારે શું મહાપાલિકાનો સ્ટાફ આવા તત્ત્વોને ડામી શકે તેવી પણ હિંમત રહી નથી? વિજિલન્સ શાખાની આટલી મોટી ફૌજ શું કામની હશે? હુમલાના ડરથી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની વાત સાચી હોય તો તે મહાપાલિકા માટે ખરેખર શરમજનક વાત ગણાશે.
સૌથી મોટો પ્રશ્ન
આડેધડ ખડકાયેલા રેંકડી-કેબિનના દબાણો દબાણહટાવ શાખાને દેખાતાં જ કેમ નહીં હોય? ફૂડ-સોલિડ વેસ્ટ-દબાણહટાવ-વિજિલન્સ શાખા `એક’ થઈને કામ કરી શકે તેવી સ્થિતિ પદાધિકારીઓ કે અધિકારીઓ ઉભી કરવામાં નિષ્ફળ?