૧૫૦ ફૂટ રિંગરોડ પર ‘નેપલ્સ ફૂડઝ’ લોકોને ધાબડતું હતું ભેળસેળીયું ચીઝ
જંગલેશ્વર મેઈન રોડ પર નઝરાના બેકરીમાં પફ બનાવવાનો ૫૫ કિલો વાસી માવાનો નાશ: પાંચ સ્થળેથી પનીર, થાબડી, પેંડા સહિતના નમૂના લેવાયા
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રિંગરોડ પર બિગબજારની બાજુમાં આવેલા નેપલ્સ ફૂડઝ પર દરોડો પાડી ચેકિંગ કરતાં ત્યાં વિવિધ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જલાપીનો ચીઝ (લૂઝ)ના નમૂનામાં ભેળસેળ હોવાનું ખુલ્યું હતું. આ ચીઝમાં ફોરેન ફેટની હાજરી તેમજ તીલ ઓઈલની હાજરી મળી આવતાં તેને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર કરીને હવે ધંધાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જંગલેશ્વર મેઈન રોડ પર નઝરાના બેકરીમાં તપાસ કરવામાં આવતાં પફ બનાવવા માટેનો ૫૫ કિલો બટાકાના માવો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરાયો હતો.
દરમિયાન નવરાત્રી-દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા હોય તેમાં મિઠાઈનો ઉપાડ વધુ રહેતો હોવાથી ભેળસેળયુક્ત મિઠાઈ ન વેચાય તે માટે ફૂડ શાખા દ્વારા અત્યારથી જ નમૂના લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પંચવટી મેઈન રોડ પર લક્ષ્મીનગર ચોકમાં સમૃદ્ધ ડેરીમાંથી પનીર, ૧૫૦ ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે થાબડી, મંગલમ પાર્ક મેઈન રોડ પર જીજીએમ સ્વીટસ એન્ડ નમીનમાંથી કેસર પેંડા, મવડીમાં સોરઠિયા પરિવાર વાડી પાસે રાધેક્રિષ્ના ડેરીમાંથી પનીર અને મવડીમાં નંદનવન-૨માં આવેલી ગોકુલ ડેરીમાંથી કોપરા-બરફીના લાડુના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.