સિવિલના કમિશનખોર ડૉક્ટરો સામે ‘નપાણીયા’ અધિકારીઓ નતમસ્તક !
કોઈ દર્દીને બહારની દવા લખી આપવી નહીં તેવો પરિપત્ર પખવાડિયા પૂર્વે પ્રસિદ્ધ કર્યો છતાં શા માટે આ
ખેલ’ બંધ નથી કરાવી શકતા ?
અગાઉના સુપ્રિન્ટેન્ડેન્ટે પણ ચોક્કસ કંપનીની દવા લખવાનું બંધ કરાવવાની શેખી' મારી'તી એવી જ હાલના અધિકારીઓ મારી રહ્યા છે !
સિવિલને વળી એમ.આર.નું શું કામ પડતું હશે ? ડૉક્ટરો ઉપર અધિકારીઓનો કોઈ જ
કંટ્રોલ’ નથી ?
દર્દીઓ લૂંટાતાં હોય તો ભલે લૂંટાય એમાં આપણે શું ? આવી મેલી મુરાદ સાથે અધિકારીઓ નિહાળી રહ્યા છે તમાશો
રાજકોટની ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં તો દર્દીઓ કમિશનખોર તબીબો તેમજ સ્ટાફને કારણે લૂંટાઈ રહ્યા છે પરંતુ દારૂણ સ્થિતિ હોવાને કારણે સરકારી હોસ્પિટલનું શરણું લેનાર ગરીબ દર્દીઓના ખીસ્સા પણ ખંખેરાઈ રહ્યા હોવા છતાં સિવિલ હોસ્પિટલના નપાણીયા' અધિકારીઓના પેટનું પાણી હલતું હોય તેવું લાગી રહ્યું નથી. જાણે કે સરકારી હોસ્પિટલમાં
નામ’ નહીં બલ્કે દામ'ની ફરજ બજાવતાં ડૉક્ટરો સામે જાણે કે અધિકારીઓ નતમસ્તક થઈ ગયા હોય તેવું દર્દીઓને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સિવિલમાં સારવાર મેળવવા માટે આવતાં દર્દીઓને બહારથી દવા નહીં લખી આપવી તેવો પરિપત્ર પખવાડિયા પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે હોસ્પિટલના તમામ દર્દીઓને લાગુ પડે છે.
આવો પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હોવાનો ખુદ એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા દ્વારા એકરાર કરવામાં આવ્યો હતો આમ છતાં
વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં હજુ પણ તબીબો દ્વારા દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવતી હોવાનું અને ચોક્કસ બ્રાન્ડનેમ સાથે દવા લખી અપાતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જો કે આ દિશામાં ન તો સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા કે ન તો એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું જેના કારણે હજુ પણ આ પ્રકારનો ખેલ' ચાલી જ રહ્યો છે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે તત્કાલિન સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.આર.એસ.ત્રિવેદી દ્વારા પણ આ પ્રકારના
ખેલ’ને બંધ કરાવવા માટેની શેખી મારવામાં આવી હતી પરંતુ તેઓ કશું જ ઉકાળી શક્યા ન્હોતા. આવી જ કંઈક બડાઈ અત્યારના અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ તેમનાથી કશું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં એમ.આર.ની એન્ટ્રી પ્રતિબંધિત છે આમ છતાં અનેક વિભાગમાં તેના આંટાફેરા થઈ રહ્યાના ચિત્રો ધ્યાન પર આવ્યા છે ત્યારે આવું શા માટે થઈ રહ્યું હશે ? શું તબીબો ઉપર અધિકારીઓનો કોઈ જ કંટ્રોલ નથી ? દર્દીઓ લૂંટાતાં હોય તો ભલે લૂંટાય, તેમાં આપણે શું ? આવી મેલી મુરાદ સાથે અત્યારના અધિકારીઓ સઘળો તમાશો નિહાળી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.
અત્યારના અધિકારીઓને કામગીરી કરતા મિટિંગમાં વધુ રસ હોય અને એ.સી.ચેમ્બરમાં બેસીને કાર્યવાહી કરવાની `ટેવ’ છૂટી રહી ન હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.