જીમ અને સ્પા સેન્ટરમાં મહાપાલિકાનું ‘કડક’ ચેકિંગ !
સુરતના મોલ-જિમમાં લાગેલી આગ બાદ રાજકોટ ફાયર બ્રિગેડનું તંત્ર સફાળું જાગ્યુંઅગ્નિકાંડ પછી એક અઠવાડિયામાં એન્ટ્રી-એક્ઝિટ સહિતની સુવિધાનો આદેશ આપ્યા પછી તપાસ કરવાનું ભૂલાઈ ગયું
હવે સુરતમાં
રાજકોટવાળી’ થતાં રહી ગયા બાદ છ મહિને તંત્ર થયું દોડતું: સવારથી અલગ-અલગ ટીમ બનાવી ચેકિંગ શરૂ કર્યા બાદ અનેકને નોટિસ
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલની અંદર કાર્યરત અમૃતયા સ્પા અને જીમ-૧૧માં ભીષણ આગ લાગ્યા બાદ બે યુવતીના કરુણ મોત નિપજ્યા હતા. આ અગાઉ રાજકોટના નાનામવા વિસ્તારમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના લબકારા હજુ શમ્યા નથી ત્યારે સુરતમાં રાજકોટવાળી થતાં સ્હેજમાં રહી ગયા બાદ હવે ચારેય મહાનગરના ફાયર બ્રિગેડ ફરી દોડતાં થઈ ગયા છે. ખાસ કરીને રાજકોટ ફાયર બ્રિગેડ છ મહિના બાદ ફરી જાગ્યું છે અને શહેરના તમામ જીમ અને સ્પા સેન્ટરનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું અને અનેકને નોટિસ ફટકારાયાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ દ્વારા દરેક મિલકતોનું ચેકિંગ કરાયું હતું જેમાં જીમ અને સ્પા સેન્ટરો સામેલ હતા. આ પછી કોઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું નથી ! મતલબ કે અગ્નિકાંડના એ ગોઝારા દિવસને છ મહિના જેટલો ખાસ્સો સમય પસાર થઈ ગયો હોવા છતાં ફાયર બ્રિગેડને જીમ અને સ્પા સેન્ટરોનું ચેકિંગ કરવાનું સૂઝ્યું જ નથી. આમ પણ મહાપાલિકા તંત્ર અન્ય શહેરોના તંત્રની `કોપી’ કરવામાં માહેર છે સાથે સાથે અન્ય શહેરોમાં કોઈ મોટી દૂર્ઘટના બને એટલે તુરંત જ દોડતું થઈ જાય છે.
ઈન્ચાર્જ સીએફઓએ ઉમેર્યું કે મ્યુનિ.કમિશનરના આદેશ બાદ સવારથી જ દરેક ફાયર સ્ટેશન દીઠ બે લોકોની અલગ-અલગ ટીમ બનાવીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જે આખો દિવસ ચાલ્યું હતું. ખાસ કરીને દરેક જીમ અને સ્પા સેન્ટરમાં એન્ટ્રી-એક્ઝિટ અલગ હોવા ઉપરાંત ફાયર સેફ્ટીના તમામ પ્રકારના સાધનો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું અને જો કોઈ ખામી જણાય તો સાત દિવસમાં તમામ વ્યવસ્થા કરવા માટેની નોટિસ ફટકાર્યા બાદ જો કશી કાર્યવાહી ન થાય તો મિલકત સીલ કરી દેવામાં આવશે.