કચરામાંથી કમાણી’ કરશે મહાપાલિકા !
નાકરાવાડીમાં બની રહેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં દરરોજ ૬૦૦ ટન કચરાનો નિકાલ કરી તેમાંથી ગ્રીન પાવર ઉત્પન્ન કરી સરકારને વેચશે: પ્લાન્ટ ફરતે ત્રણ લાખથી વધુ વૃક્ષોનું કરાશે વાવેતર: કામગીરી અંતિમ તબક્કામાં
રાજકોટમાં દરરોજ ઢગલામોઢે કચરો નીકળી રહ્યો છે જેનો નિકાલ નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે મહાપાલિકા આ કચરામાંથી
કમાણી’ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. નાકરાવાડી ખાતે `વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે જે પૂર્ણ થયા બાદ અહીં દરરોજ ૬૦૦ ટન કચરાનો નિકાલ કરી તેમાંથી ગ્રીન પાવર ઉત્પન્ન કર્યા બાદ તેનું વેચાણ સરકારને કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત પ્લાન્ટ ફરતે ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની જાહેરાત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે શહેરમાં રોજ ૭૦૦થી ૭૫૦ ટન કચરો નીકળી રહ્યો છે. આ ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવવા માટે મહાપાલિકાએ એબેલોન ક્લિન એનર્જી લિમિટેડ કંપનીને પીપીપીના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પાવર પ્લાન્ટ સેટઅપ કરવાનું કામ આપેલું છે. છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. અત્યારે બોઈલર અને ટર્બાઈનનું સેટઅપ થઈ ચૂક્યું છે. આ પાવર પ્લાન્ટમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો સેક્નડરી ટ્રીટેહ (કુલિંગ વોટર) તરીકે ઉપયોગ કરવામાં આવશે જે અનુસંધાને ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નાકરાવાડીના ૧૨ કિ.મી. સુધીની પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ચાલું છે જે પૈકી ૯ કિ.મી.નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ પ્લાન્ટને કારણે ડમ્પીંગ સાઈટ પર કચરામાંથી પેદા થતાં નુકસાનકારક ગેસનો નાશ થશે સાથે સાથે હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે તો પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.