ગેરકાયદેસર બાંધકામની તપાસ માટે દોડી જતી મહાપાલિકાની ટીમ
વોઈસ ઓફ ડે'ના અહેવાલ બાદ મનપાની ટીપી શાખા કુંભકર્ણની નિદ્રામાંથી જાગી
હજીરો’ કાયદેસર છે કે ગેરકાયદેસર, સાત દિવસમાં પૂરાવા રજૂ કરવા આદેશ
ચાર માળના બિલ્ડિંગમાં પતરાના ડોમ સહિતનું બાંધકામ ગેરકાયદે જ હોવાનું ખુલ્યું
સાત દિવસમાં પૂરાવા રજૂ નહીં કરાય તો બૂલડોઝર ફેરવી દેવાની તૈયારી
શહેરના પોશ વિસ્તારો પૈકીના એક એવા યુનિવર્સિટી રોડ પર જલારામ-૨ તરીકે ઓળખાતાં રહેણાક વિસ્તારમાં ડાયમંડ ઑનેક્સ' એપાર્ટમેન્ટની બરાબર સામે જ કાંતિ લાડાણી નામના બિલ્ડરે ગેરકાયદેસર રીતે ખડકી દીધેલા બિલ્ડિંગ અને તેમાં ટૂંક સમયમાં જ
સ્પા’ નામનું દૂષણ શરૂ થવા જઈ રહ્યાનું ધ્યાન પર આવતાં રહીશો દ્વારા `વોઈસ ઓફ ડે’ સમક્ષ હૈયાવરાળ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે અહેવાલ પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ (ટીપી) શાખાએ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને ગેરકાયદેસર બાંધકામની તપાસ માટે દોટ મુકી હતી !
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરને તેણે ખડકેલું બિલ્ડિંગ કાયદેસર છે કે નહીં, બિલ્ડિંગનો પાસ થયેલો પ્લાન, કયા હેતુનો પ્લાન પાસ કરાવાયો છે, પ્લાનમાં કેટલા માળની મંજૂરી છે તે સહિતના પૂરાવા સાત દિવસની અંદર રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો સાત દિવસની અંદર પૂરાવા રજૂ કરવામાં નહીં આવે તો પછી બિલ્ડિંગ ગેરકાયદેસર છે તેમ માનીને તેનું ડિમોલિશન કરવા માટેની અંતિમ નોટિસ ફટકારવામાં આવશે. આ પછી કોઈ પણ ચમરબંધીની શેહ-શરમ રાખ્યા વગર ગેરકાયદેસર માંચડો તોડી નાખવામાં આવનાર હોવાનું ટાઉન પ્લાનિંગ શાખાના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રાજકોટના એક પણ કોમર્શિયલ હોય કે રેસિડેન્શીયલ ત્યાં પતરાનાં ડોમ સહિતના બાંધકામને મહાપાલિકા મંજૂરી આપતી જ નથી આમ છતાં બિલ્ડર દ્વારા પતરાના ડોમનું બાંધકામ કરવામાં આવ્યું હોવાથી તે બિલકુલ ગેરકાયદેસર જ હોવાનું ધ્યાન પર આવ્યું છે એટલે પૂરાવા રજૂ કરાયા બાદ આ બાંધકામને સૌથી પહેલાંદૂર કરવામાં આવશે.
અખબારી અહેવાલ પ્રસિદ્ધ થાય પછી જ તંત્રની આંખ કેમ ઉઘડે છે ?
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને ઈચ્છા પડે ત્યારે ગમે તે વિસ્તારમાં જઈને ડિમોલિશન કરી રહી છે. ખાસ કરીને શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલા છે તે તેના ધ્યાન પર આવતાં જ નથી. જ્યારે જ્યારે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થાય ત્યારે ત્યારે જ ટીમને કામ કરવાનું શા માટે સૂઝતું હશે તેવો અણિયાળો સવાલ પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે.
બિલ્ડરને ઓથ કોની હશે ? એક તો બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યું, હવે સ્પા પણ શરૂ કરાવવું છે !
અત્રે સૌથી મોટો સવાલ એ જ છે કે જલારામ-૨માં બિલ્ડિંગમાં ગેરકાયદેર બાંધકામ કરનાર બિલ્ડરને કોઈની ઓથ જરૂર મળતી હોવી જોઈએ કેમ કે બિલ્ડિંગમાં એક નહીં બલ્કે અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ હવે અહીં સ્પા શરૂ કરવા માટે પણ હિલચાલ શરૂ કરી છે અને સ્પાનું નિર્માણકાર્ય પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.