રાજકોટમાં વધુ ૨૦ સ્થળે હોર્ડિંગ-કિયોસ્ક ઉભા કરી કમાણી’ કરશે મનપા
‘અનેક આકરી' શરતોનો ઉમેરો, સ્ટીકર થકી આવક ઉભી કરવા પ્રયાસ
કોટેચા ચોક, મોટા મવા, જ્યુબિલી ગાર્ડન, મવડી, પીડીએમ કોલેજ સહિત ૨૦ નવી સાઈટનો ઉભી કરાઈ: હવે કુલ ૪૬ સ્થળે હોર્ડિંગ-કિયોસ્ક માટે હશે સાઈટ
દર વર્ષે મે મહિનામાં ઈલેક્ટ્રિકલ બોર્ડનું સર્ટિફાઈડ એન્જિનિયર પાસે કરાવવું પડશે ચેકિંગ: ટેન્ડર ભરનાર દરેક એજન્સીએ સાઈટ વિઝિટ કર્યા બાદ જ ભાવ ભરવા ફરજિયાત
અત્યારે લાઈટિંગ વગરના હોર્ડિંગને જ અપાશે મંજૂરી, બાદમાં મહાપાલિકા દરેક પ્રકારની ખરાઈ કરશે પછી જ લાઈટની મળશે પરવાનગી
મહાપાલિકા દ્વારા રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં ૪૬ સ્થળે હોર્ડિંગ-કિયોસ્ક માટે સાઈટ ભાડે આપી લાખેણી કમાણી કરવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. અત્યાર સુધી તંત્રને ૨૬ સ્થળે જ હોર્ડિંગ-કિયોસ્ક થકી આવક થતી હતી પરંતુ હવે અનેક પ્રકારની `આકરી’ શરતોનો ઉમેરો કરીને ૨૦ નવી સાઈટ ઉભી કરવામાં આવી છે ત્યારે હવે કુલ ૪૬ સાઈટ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અત્યાર સુધી સ્ટીકર બોર્ડ મતલબ કે ડિવાઈડર પર છેડે અમુક પથ્થર ઉપર જે તે કંપનીનું ચિત્રણ કરી પબ્લીસિટી કરવામાં આવી રહી હતી જે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા હસ્તક હતી પરંતુ હવે મહાપાલિકા તેને પણ પોતાના હસ્તક લઈને તેના થકી કમાણી કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ઈજનેરી સૂત્રોએ જણાવ્યું કે તંત્ર દ્વારા કોટેચા ચોક, મોટા મવા, જ્યુબિલી ગાર્ડન, મવડી, પીડીએમ કોલેજ સહિત ૨૦ નવી સાઈટ ઉભી કરવામાં આવી છે જ્યાં હોર્ડિંગ-કિયોસ્ક મુકી શકાશે. આ સહિત ૪૬ સાઈટ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે જે ભરવાની અંતિમ તારીખ ૧૫ ફેબ્રુઆરી છે. જૂની ૨૬ સાઈટ અત્યારે જે તે એજન્સી પાસે છે તેઓ પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ સાથે જ ટેન્ડરમાં અનેક શરતોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદને કારણે કિયોસ્ક તેમજ અમુક હોર્ડિંગ બોર્ડમાં શોર્ટ-સર્કિટના બનાવો વધ્યા હોવાની ઘટનાને ધ્યાનમાં રાખી દરેક એજન્સીએ દર વર્ષે મે મહિનામાં દરેક બોર્ડ-કિયોસ્કનું સર્ટિફાઈડ ઈજનેર પાસે ચેકિંગ કરાવવાનું રહેશે અને તેમાં જો કોઈ પ્રકારની ખામી જણાશે તો તેને સમયમર્યાદાની અંદર સ્વખર્ચે દુરસ્ત કરવાની રહેશે.
આ ઉપરાંત પાછલી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન અનેક એજન્સીએ સાઈટ વિઝિટ કર્યા વગર જ ભાવ ભરી દીધા હતા આ પછી એવો વાંધો લેવાયો હતો કે તેમણે સાઈટ વિઝિટ કર્યા વિના જ ભાવ ભરી દીધા છે ! આ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તે માટે દરેક એજન્સીએ સાઈટ વિઝિટ કર્યા બાદ જ ટેન્ડરમાં ભાવ ભરવાના રહેશે અને ટેન્ડર ભરાયા બાદ કોઈ પ્રકારનો વાંધો માન્ય રહેશે નહીં.
અત્યારે તંત્ર દ્વારા માત્ર લાઈટિંગ વગરના હોર્ડિંગ-કિયોસ્કની જ મંજૂરી આપવામાં આવશેે ત્યારબાદ કોઈ અજન્સીને લાઈટિંગની જરૂરિયાત જણાતી હોય તો તેણે મહાપાલિકા દ્વારા નક્કી કરાયેલા તમામ માપદંડ પર ખરું ઉતરવાનું રહેશે પછી જ તેને લાઈટિંગની મંજૂરી આપવામાં આવશે.
આટલી સાઈટનો ઉમેરો કરાયો
- કાલાવડ રોડ પર સ્વિમિંગ પુલ (પશ્ચિમ તરફનો ખૂણો)
- જ્યુબિલી-જંકશન રોડ ક્રોસિંગ, જ્યુબિલી માર્કેટ (બે બોર્ડ)
- જ્યુબિલી-જંકશન રોડ ક્રોસિંગ, જંકશન (બે બોર્ડ)
- કાલાવડ રોડ, હાઈલેવલ બ્રિજ, કોટેચા ચોક
- કાલાવડ રોડ હાઈ લેવલ બ્રિજ, મોટામવા
- હોસ્પિટલ ચોક બ્રિજ, જ્યુબિલી ગાર્ડન
- હોસ્પિટલ ચોક બ્રિજ, જામટાવર
- હોસ્પિટલ ચોક બ્રિજ, કેસરી પુલ
- સ્વામિ વિવેકાનંદ બ્રિજ, મવડી રોડ
- સ્વામિ વિવેકાનંદ બ્રિજ, પીડીએમ કોલેજ
- જડ્ડુ’સ ચોક ઓવરબ્રિજ, મોટામવા
- જડ્ડુ’સ ચોક, બન્ને બાજુના પીલરર્સ (બે બોર્ડ)
- સિવિલ હોસ્પિટલ બ્રિજ પાસેનું પિલર, જામનગર રોડ તરફના રસ્તાનું પિલર
- જૂના જકાતનાકા, જે.કે.મોટર્સ સર્વિસ સ્ટેશન
- બહુમાળી ભવન ચોક, નર્મદા ડેમ મોડેલ
- રેલવે ક્રોસિંગ, રાજકૃતિ એપાર્ટમેન્ટ સામે
- રેલવે બ્રિજ, કૂવાડવા બ્રિજ
- રેલવે બ્રિજ, બેડી ચોકડી
- જામનગર રોડથી ૧૫૦ ફૂટ રિંગરોડ તરફનો રસ્તો
- જામનગર રોડથી શીતલ પાર્ક મેઈન રોડ તરફનો રસ્તો
- કૃષ્ણવિજય હોટેલથી ભક્તિનગર સ્ટેશન તરફનો રસ્તો
- મોટામવા સ્મશાન પાસેનો બ્રિજ
- રેસકોર્સ રિંગરોડ પર ટ્રાફિક આઈલેન્ડ