સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં નક્કર પગલાં લેવામાં મહાપાલિકા નિષ્ફળ..જુઓ કોણે કર્યો આવો આક્ષેપ….
સર્વેશ્વર ચોકની ઘટના માટે જવાબદાર કોણ ? ૮ દિ’માં નક્કી કરો નહીંતર જોયા જેવી થશે
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ સહિત કોંગ્રેસે મનપા કચેરી ગજવી: રિપેરિંગ તો મહાપાલિકા કરાવશે જ પરંતુ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હોય તેમાં બિલ્ડર હોય કે અધિકારી હોય તેની સામે કાર્યવાહી કરો: આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી
તાજેતરમાં જ શહેરના ભરચક્ક વિસ્તાર એવા સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાને કારણે ૩૦ જેટલા લોકો નાલામાં ખાબક્યા હતા તો એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ ગોઝારી ઘટના બની ગયા છતાં હજુ સુધી તેની પાછળ જવાબદાર કોણ તેનો નિર્ણય મહાપાલિકાના કામઢા' અધિકારીઓ લઈ શક્યા નથી અથવા તો
દબાણવશ’ લેવા માંગતા ન હોય લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે આ મામલે બાંયો ચડાવી તંત્રને આડેહાથ લેતાં એક સપ્તાહની અંદર ઘટના પાછળ જવાબદારો નક્કી કરી તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન સહિતના ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ સહિતના આગેવાનો-કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને રૂબરૂ મળીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દૂર્ઘટનાને મહાપાલિકાએ ગંભીરતાથી લીધી જ નથી કારણ કે હજુ સુધી આ ઘટના પાછળ જવાબદાર કોણ તે જ નક્કી થઈ શક્યું નથી. આ ઘટના પાછળ બિલ્ડરો જવાબદાર હોય તો તેની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી થવી જોઈએ અથવા તો મનપા જવાબદાર હોય તો તેના અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવાય તે જરૂરી બની જશે અન્યથા લોકો સાથે અન્યાય થયો ગણાશે.
બીજી બાજુ સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સમાં રહેલા દુકાનદારો અને ઑફિસ ધારકોને પણ ત્યાં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું છે જેના કારણે વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે પણ મૂળ વાત એ છે કે આ દૂર્ઘટનામાં હજુ સુધી કેમ કોઈની જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. જે તે સમયે કોન્ટ્રાક્ટરની જવાબદારી હતી કે કોની હતી તે પણ જાહેર કરાયું નથી. કોંગ્રેસને એમ લાગે છે કે આ પ્રકરણમાં કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.