ટાઉન પ્લાનિંગ સ્કેમ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મામલે 24 કલાકમાં રિપોર્ટ માંગતા મ્યુનિસિપલ કમિશનર
રૈયા ટીપી સ્કીમ અમલમાં આવી ત્યારે કોને કોને જાણ કરાઈ ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લખતી જાણ કરાઈ છે કે કેમ રિપોર્ટ આપો : હાઇકોર્ટના ચુકાદાનો પણ અભ્યાસ
રાજકોટ શહેરમાં સમાવિષ્ઠ રૈયા વિસ્તારની ટીપી સ્કીમ નંબર 16માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની 30 કરોડની કિંમતની સરકારી જમીન યુનિવર્સિટીની જાણ બહાર કપાત કરી મોટાગજાના બિલ્ડરને ભેટ ધરી દેવાના ચોંકાવનારૂ પ્રકરણમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ પણ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનર જે.એસ.પંડયાને 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કરી આ ચોંકાવનારા બનાવામાં રૈયા ટીપી-16 અંતર્ગત કેટલા કેટલા અસામીઓને જમીન કપાતની નોટિસ અપાઈ હતી ? યુનિવર્સિટીને લેખિત જાણ કરાઈ હતી કે કેમ ? યુનિવર્સિટીની જમીનનો કબ્જો સાંભળવામાં આવ્યો ત્યારે યુનિવર્સિટીની પ્રતિનિધિઓ હાજર હતા કે કેમ તે સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીનની પૂર્વ હદે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અને સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૬ (રૈયા)ની બાઉન્ડ્રી નજીક આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો સમાવેશ ટીપી સ્કીમમાં ન થતો હોવા છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાના રે.સ.નં.૨૩ના મૂળ ખંડ નં. ૨૭ના જમીન માલિકોને અંતિમ ખંડ નં.૨૭ માં યુનિવર્સિટીની માલિકીની અને કબજાની ૧૫૪૨ ચો.મી. એટલે કે 1844 જમીન તા.૨૭-૦૪-૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર, એકતરફી રોજકામ કરીને કબજા ફેરફાર કરીને સોંપી આપતા જમીન માલિક અને બિલ્ડર મંડળી દ્વારા અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૦૪.૯૮ રનિંગ મીટરની સરકારી ગ્રાન્ટથી બનાવેલ આર.સી.સી. કંપાઉન્ડ વોલ તોડી પાડીને પેશકદમી કરતા આ ગંભીર બાબતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સરકારની સૂચના બાદ ધગધગતો પત્ર લખ્યો હતો.
બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીનમાં કપાત મામલે જણાવ્યું હતું કે, રૈયા ટીપી-16 અંતર્ગત કેટલા કેટલા અસામીઓને જમીન કપાતની નોટિસ અપાઈ હતી ? યુનિવર્સિટીને લેખિત જાણ કરાઈ હતી કે કેમ ? યુનિવર્સિટીની જમીનનો કબ્જો સાંભળવામાં આવ્યો ત્યારે યુનિવર્સિટીની પ્રતિનિધિઓ હાજર હતા કે કેમ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમની જમીન ગેરકાયદેસર રીતે લઈ લેવા મામલે હાઇકોર્ટના ચુકાદાનો સંદર્ભ પણ ટાંક્યો હોવાથી આ તમામ બાબતે જીણવટભરી તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવી સમગ્ર મામલે ટાઉન પ્લાનર જે.એસ.પંડયાને 24 કલાકમાં રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૫-૦૭-૧૯૬૮ના ઠરાવ ક્રમાંક એલ. આર. એફ.૫૩૬૭-ખ.૨૫૬૯-ગ, દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મુંજકાના રે.સ.નં.૪૯ તથા રૈયાના રે.સ.નં.૩૧૮ પૈકીની ૪૦૯ એકર જમીન ફાળવેલ છે અને આ વિશાળ જમીન ફરતે રાજકોટ મહાનગર પાલિકાની અલગ- અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલી છે પરંતુ એક પણ ટીપી સ્કીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઈંચ જેટલી પણ જમીન કપાતમાં લેવામાં આવી નથી ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના મહા ભ્રષ્ટાચારી ટીપીઓ મનસુખ સાગઠીયાએ આ સરકારી જમીનને પોતાના પૂર્વજોની મિલ્કત સમજી ટીપી સ્કીમ નહીં પ્પણ ટીપી સ્કેમ કરી નાખ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ તેમજ સરકારના વિભાગો મોટાગજાના બિલ્ડર અને ટીપી સ્કેમ કરનારા તત્વો સામે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું
બિલ્ડર કાયદાથી ઉપર કે બહાર નથી : કાર્યકારી કુલપતિ ડોડીયા
કોર્પોરેશને અમારી જાણ બહાર જમીન લઈ લીધી છે : કાર્યકારી કુલપતિ ડોડીયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મહેસુલ વિભાગે ફાળવેલી સરકારી જમીનમાંથી અંદાજે 30 કરોડ રૂપિયાથી વધુ કિંમતની 1844 ચોરસવાર જગ્યા રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે 1844 ચોરસવાર જગ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાણ બહાર ખાનગી બિલ્ડરને ભેટ ધરી દેતા આ ચોંકાવનારા પ્રકરણમાં ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ ડો.કમલ ડોડિયાએ મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સરકારી જમીન ટીપી સ્કીમમાં ન આવતી હોવા છતાં વર્ષ 2021માં રૈયા ટીપી સ્કીમ નંબર-16માં કપાતમાં જતી જમીનના બદલામાં રાજકોટ કોર્પોરેશને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની 1844 વાર જગ્યા કપાતના નામે અમારી જાણ બહાર ખેડૂતને ફાળવી દેતા આ મામલે તા.10 જુલાઈના રોજ યુનિવર્સિટીએ સરકારની સૂચન અને માર્ગદર્શન મુજબ કોર્પોરેશનને વિસ્તૃત પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું.
જો કે, હાલમાં નામાંકિત બિલ્ડરની એલએલપી કંપનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનમાં 11 માળના ફ્લેટ ખડકી દીધા ત્યારે હવે શું પગલાં લેવાશે તે અંગેના પ્રશ્નનો જવાબ આપતા કાર્યકારી કુલપતિ ડો.ડોડિયાએ જણાવ્યું હતું કે, કોઈ કાયદાથી ઉપર કે બહાર નથી નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાનૂની લડત આપશે અને આ મામલે જિલ્લા ક્લેક્ટરથી લઈ સરકાર સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનુ તેમજ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની જમીન ઉપર બાંધકામ ખડકી દેનાર રાજકોટના ટોચના બિલ્ડર અને કોર્પોરેશનમાં કળા કરી સરકારી જમીન હડપ કરનાર વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોરશોરથી કાનૂની લડતા આપશે તેવા સંકેતો આપ્યા હતા.
