સાંસદના આક્ષેપો ફેઈલ પુરવઠા પાસ : રાજકોટમાં સડેલા અનાજ મુદ્દે ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમોએ લીધેલા નમૂના પણ પાસ
ગત નવેમ્બર માસમાં મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અને ભેળસેળ વાળું અનાજ મળતું હોવાના આક્ષેપો કરતા સ્થાનિક પુરવઠા વિભાગની સાથે સાથે ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમોએ પણ નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાતા તમામ સેમ્પલ પાસ થતા સાંસદના આક્ષેપો ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત નવેમ્બર માસમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કલેકટર સમક્ષ રાજકોટની સસ્તા અનાજની દુકાનો ઉપરથી ગરીબ રેશનકાર્ડ ધારકોને સડેલું અને હલકી ગુણવત્તાનું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સડેલા અનાજના નમૂના પણ રજૂ કરતા સ્થાનિક ઉપરાંત ગાંધીનગરથી આવેલ ટીમોએ અલગ અલગ દુકાનોમાંથી નમૂના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા જે તમામ નમૂના પાસ થયા હોવાનું સામે આવતા સાંસદના આક્ષેપોનો હાલતુર્ત છેદ ઉડી ગયાનું સામે આવ્યું છે.