રાજકોટના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ !
એક વર્ષમાં ૩૮૯૫ બાંધકામોને કાયદેસર કરવા કરાયેલી અરજી: અત્યાર સુધીમાં મનપાએ ત્રણેય ઝોનની મળી ૮૦૫૮ અરજીમાંથી ૧૯૬૫ મંજૂર કરી
રાજકોટ સહિત ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટે સરકાર દ્વારા `ઈમ્પેક્ટ ફી’નો કાયદો અમલી બનાવાયો છે જે પ્રમાણે નિર્ધારિત ફી કરીને મિલકતના માલિકો પોતાની મિલકતને કાયદેસર કરાવી શકે છે. દરમિયાન રાજકોટની વાત કરવામાં આવે તો વેસ્ટ (પશ્ચિમ) ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામો ખડકાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં એક વર્ષની અંદર ૩૮૯૫ બાંધકામોને કાયદેસર કરવા માટે અરજી કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે શહેરમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે તા.૧-૧૦-૨૦૨૨થી તા.૯-૧૦-૨૦૨૩ સુધીમાં સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ એમ ત્રણેય ઝોનની મળી કુલ ૮૦૫૮ અરજીઓ મળી છે. ઝોનવાઈઝ થયેલી અરજી પર નજર કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ૨૬૮૧, ઈસ્ટ ઝોનમાં ૧૪૮૨ અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૩૮૯૫ અરજીઓ થઈ છે. ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ આવેલી કુલ ૮૦૫૮ અરજીઓમાંથી તંત્ર દ્વારા ૧૯૬૫ અરજી મંજૂર કરી બાંધકામને કાયદેસર કરવામાં આવ્યું છે જ્યારે બાકી રહેતી ૫૭૩૦ અરજીઓની હાલ ચકાસણી ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
તંત્રવાહકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ બાંધકામને કાયદેસર કરવા માટેની છેલ્લી તા.૧૬-૧૨-૨૦૨૩ હોય ત્યાં સુધીમાં અરજી કરી બાંધકામને નિયમિત કરાવી લેવું અન્યથા ડિમોલિશન સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે છે.