મચ્છર મનપાના કંટ્રોલમાં ! ડેંગ્યુ દેખાતો બંધ થઈ ગયો
ત્રણ સપ્તાહથી ડેંગ્યુનો એકેય કેસ નહીં ! ચિકનગુનિયાનો એક-એક દર્દી મળ્યે રાખે છે
ગરમી શરૂ થતાં જ રોગચાળો બંબાટ: ઝાડા-ઊલટી સહિતના ૧૫૭૧ કેસ
રાજકોટમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હોય તેવી રીતે તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચી જવા પામ્યું છે. બીજી બાજુ ગરમીને કારણે ઝાડા-ઊલટીના કેસમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હોય તેવી રીતે દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. એકંદરે એક સપ્તાહની અંદર રોગચાળાના ૧૫૭૧ દર્દી નોંધાયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાહતની વાત એ છે કે શહેરમાં છેલ્લા ત્રણેક સપ્તાહથી ડેંગ્યુનો એકેય કેસ મળી રહ્યો નથી તો ચિકનગુનિયાનો દર સપ્તાહે એક દર્દી જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ આંકડો વાસ્તવિક હશે કે પછી જાણીજોઈને એક-એક કેસ જાહેર કરવામાં આવતો હશે તે વાત જાહેર કરનારને જ ખબર હોવી જોઈએ !
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના આંકડા પ્રમાણે શહેરમાં ચિકનગુનિયાનો ૧ (વર્ષના ૧૨), શરદી-ઉધરસના ૧૧૬૩ (વર્ષના ૧૨૯૪૧), સામાન્ય તાવના ૧૮૪ (વર્ષના ૧૭૯૦) અને ઝાડા-ઊલટીના ૨૨૩ (વર્ષના ૨૪૮૧) દર્દી નોંધાયા છે. જો કે ગરમીની હજુ શરૂઆત જ થઈ હોવાથી જેમ જેમ પારો ઉંચકાતો જશે તેમ તેમ ઝાડા-ઊલટીના કેસમાં વધારો થવાની શક્યતા પણ નિષ્ણાત તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી બાજુ આશ્ચર્યજનક રીતે મચ્છરો મહાપાલિકાના કંટ્રોલમાં આવી ગયા હોય તેવી રીતે મચ્છરજન્ય રોગચાળો ઘટવા લાગ્યો હોવાથી લોકો પણ અચરજ પામી ગયા છે.