રસરંગ લોકમેળામાં બે દિવસમાં અઢી લાખથી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યો
કલેકટર પ્રભવ જોશી એ પણ લોકમેળાના પ્રારંભે યાંત્રિક રાઇડસની મોજ માણી: મેળામાં સૌથી વધુ વિવિધ રાઇડ્સમાં બેસવા માટે લોકોની સવારથી લાગી કતારો
રંગીલા રાજકોટવાસીઓએ રાજકોટના લોકમેળાના પ્રારંભથી જ મોજ માણવાનું શરૂ કરી દીધું હોય તેમ ઉદ્ઘાટનના દિવસે અને બુધવારે પણ મેળામાં ઉમટી પડ્યા હતા. બે દિવસમાં અઢી લાખથી વધુ લોકો રાજકોટના પ્રખ્યાત મેળામાં ઉમટ્યા હતા. લોકમેળામાં સામાન્ય રીતે સવારના ભાગમાં દર વર્ષની જેમ ગ્રામ્ય પ્રજા ઉમટતી હોય છે તેવી રીતે જ આ વર્ષે પણ શીતળા સાતમને ધ્યાનમાં રાખી લોકમેળામાં ઘરેથી જમવાનું લઈને ગ્રામ્ય પ્રજા ઉમટી પડી હતી. મોટાભાગના લોકોએ મેળાના મેદાનમાં શીતળા સાતમના પર્વની ઉજવણી કરી હતી. મંગળવારે સાંજથી જ અને બુધવાર મોડીરાત સુધીમાં રસસંગ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. સાથોસાથ ધંધાર્થીઓને પણ મોજ પડી ગઈ હતી.
હજુ ત્રણ દિવસ લોકમેળો શરૂ રહેવાનો છે ત્યારે યાંત્રિક રાઇડ્સ જેમકે મોતનો કૂવો, ટોરાટોરા, નાવડી, ડ્રેગન સહિત ઉંચી રાઇડ્સમાં બેસવા અને તેની મોજ માણવા લોકો કતારમાં ઊભા રહી ગયા હતા. મોંઘવારી અને મંદીને ભૂલીને સૌ કોઈએ તહેવારને રંગે ચંગે માણ્યો હતો. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ એવા રાજકોટના મેળામાં યાંત્રિક રાઇડ્સની ટિકિટ રૂ.30 અને મોટી રાઇડ્સના રૂ.40 રાખવામાં આવ્યા હોવા છતાં મેળાનો આનંદ માણવા માટે લોકો હોશે હોશે મેળામાં પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પણ મેળાના ઉદઘાટનના દિવસે રાઇડસમાં બેસવાનો આનંદ લીધો હતો.
મેળામાં પાથરણાવાળાઓને લઈને સ્ટોલ ધારકો વિફર્યા
લોકમેળામાં એક તબક્કે પાથરણાવાળાઓના કારણે અન્ય ધંધાર્થીઓને ધંધામાં નુકસાની જતી હોવાથી તેનો વિરોધ કરવા માટે મેળામાં ઊભા કરાયેલા કલેકટરના કંટ્રોલ રૂમમાં રજૂઆત કરવા માટે દોડી ગયા હતા અને કોઈપણ ભોગે પાથરણાવાળાઓને હટાવવાની માંગ કરી હતી. ત્યારબાદ મામલતદારએ સિક્યુરિટી ગાર્ડને સાથે રાખી આવા દબાણો હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મહાનગરપાલિકાનોના સ્ટાફને સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા.મેળાના મેદાનમાં પ્રજાને હરવા ફરવા માટે કેટલાક નડતરરૂપ દબાણો પણ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. આમ છતાં અમુક પાથરણાવાળાઓ સામાન લઈને જઈએ છીએ તેવા બહાના કાઢી ઘૂસી જતા હતા અને ત્યારબાદ પાથરણા લગાવીને ધંધો શરૂ કરી દેતા હોવાની ફરિયાદ પણ કંટ્રોલ રૂમને મળી હતી. જ્યારે સિક્યુરિટીની પણ પાથરણાવાળાઓની સાથે સાંઠગાંઠ હોવાની ફરિયાદ કંટ્રોલ રૂમને મળી હતી.
લોકમેળામાં મતદાર યાદીના સ્ટોલે આકર્ષણ જમાવ્યું
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અંતર્ગત નવા નામ ઉમેરવાની કામગીરી શરૂ હોય જ છે તેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર પ્રભવ જોશી, નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરના માર્ગદર્શન હેઠળ રસરંગ લોકમેળામાં “હું ચોક્કસ મતદાન કરીશ” તેવા પ્રકારના સ્ટોલએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું અને મેળામાં આવતા લોકો મતદાર યાદીના સ્ટોલની મુલાકાત લઈ પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવાનું હોય તો તેના માટે શું કરવું? તેની માહિતી મેળવતા હતા સાથોસાથ કેટલાય લોકો પોતાની પાસે જરૂરી ડોક્યુમેન્ટસ કે તેની ઝેરોક્ષ અને ફોટા ન હોવાથી મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યારે આ તબક્કે મતદારોને ફોર્મ નંબર છ આપી તેને ભરીને નજીકની મામલતદાર કચેરીમાં આપી દેવા માટે સૂચના આપવામાં આવતી હતી.