સિવિલમાં ૩૦થી વધુ દર્દીઓની માઠી: આયુષ્યમાન કાર્ડ કઢાવવા ફોગટ ફેરા !
સર્વર બંધ છે, જ્યાં સુધી ચાલું નહીં થાય ત્યાં સુધી કાર્ડ નહીં નીકળે, ખર્ચ ભોગવો'
દર્દી પાસે ખીસ્સામાં પાવલી'ય ન હોવા છતાં કાર્ડ ન હોવાને કારણે સીટી સ્કેન સહિતના રિપોર્ટ માટે થઈ રહેલો હજારોનો ખર્ચ: ત્રણ દિવસથી દર્દીઓના સગાઓ દોડધામ કરી રહ્યા છે, કોઈ નિવેડો નથી આવતો પેટા: આયુષ્યમાન કાર્ડ માટે
ઍવોર્ડવિનિંગ’ હોસ્પિટલના લપોડશંખ અધિકારીઓનું કશું ઉપજતું જ નહીં હોય ? દર્દીઓ તેમજ તેના પરિવારજનોનો ચીત્કાર
સિવિલ હોસ્પિટલ…આ શબ્દ સંભળાય એટલે જો દર્દીના દર્દમાં વધારો થઈ જવાની પૂરી ગેરંટી…! આ પાછળ આમ તો અનેક તાર્કિક કારણો નીકળી શકે તેમ છે પરંતુ મુખ્ય કારણ કોઈ હોય તો અહીં સુવિધા કરતા વધુ અસુવિધાને જ ગણી શકાય. આમ તો અહીં દરરોજ કોઈને કોઈ વિવાદ થઈ જ રહ્યા છે અને જે દિવસે વિવાદ ન થાય એ દિવસ અહીં શુભ' ગણવામાં આવે છે ! હવે છેલ્લા ચારેક દિવસથી દર્દીઓ અહીં આયુષ્યમાન કાર્ડ નહીં નીકળવાને કારણે આર્થિક રીતે રીબાઈ રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરવા માટેનું સર્વર
દગો’ આપી રહ્યું હોય તેવી રીતે કામ જ ન કરતું હોવાને કારણે કોઈનું પણ કાર્ડ નીકળી રહ્યું નથી જેના કારણે ૩૦થી વધુ ગરીબ દર્દીઓની હાલત ખરાબ થઈ જવા પામી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સિવિલમાં દાખલ હોય અને તેનું ઓપરેશન સહિતની સારવાર કરવાની થાય તો હોસ્પિટલ દ્વારા જ કાર્ડ કાઢી આપવામાં આવતું હોય છે. દરમિયાન છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ થયેલા ૩૦ જેટલા દર્દીઓ કે જેમને આયુષ્યમાન કાર્ડ કઢાવવાની જરૂરિયાત પડતાં તેમના પરિવારજનોએ કાર્ડ માટે જરૂરી પૂરાવા એકઠા કરીને હોસ્પિટલમાં કાર્ડ જ્યાંથી કાઢી અપાય છે ત્યાં દોટ મુકી હતી પરંતુ અહીં ફરજ પરના સ્ટાફ દ્વારા `અત્યારે સર્વર બંધ છે, જ્યાં સુધી તે ચાલું નહીં થાય ત્યાં સુધી કાર્ડ નહીં નીકળે એટલા માટે તમારે ખર્ચ ભોગવવો પડશે’ તેવું કહેતાં ગરીબ દર્દીઓની હાલત ખરાબ થઈ જવા પામી હતી.
આ ૩૦થી વધુ દર્દીઓમાં અનેક દર્દીઓ એવા છે જેમના ખીસ્સામાં પાવલી પણ નથી છતાં તેમને સીટી સ્કેન સહિતના રિપોર્ટ કઢાવવાના હોય ત્યારે બે હજારથી વધુનો ખર્ચ થઈ રહ્યો હોય તેને પહોંચી વળવા માટે કરગરવું પડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ બાબતે એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારે આ એવોર્ડવિનિંગ હોસ્પિટલના લપોડશંખ જેવા અધિકારીઓ કશું જ અત્યારે કરી શકતાં ન હોય દર્દીઓના પરિવારજનો રીતસરના ત્રાહિમામ થઈ ગયા છે કેમ કે જ્યાં સુધી કાર્ડ ન નીકળે ત્યાં સુધી તમામ પ્રકારનો ખર્ચ તેમણે ભોગવવો પડે અને કાર્ડ નીકળ્યા બાદ આ ખર્ચનું રિફંડ મળશે કે નહીં તેની ચિંતા પણ તેમને સતાવી રહી છે.