સૌરાષ્ટ્રમાં આંધી-વંટોળથી વધુ ૨૫૧ વીજપોલ ડેમેજ
રાજકોટ, સુરેન્દ્ર નગર, અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ૨૧૨ ફિડર બંધ થયા: પીજીવીસીએલની ટીમ વીજપુરવઠો પૂર્વરત કરવા દોડતી થઈ
સૌરાષ્ટ્રમાં બુધવારે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વીજપોલ ડેમેજ થતાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જાણવા મળતી વિગતો પ્રમાણે બુધવારે ભારે પવન સાથે વરસાદને કારણે ૨૧૨ ફિડર બંધ થયા હતા જ્યારે ૨૫૧ વીજ પોલ ડેમેજ થયા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ બોર્ડ-બેનર, છાપરા ઉડવાના તેમજ નુકસાની અંગેના સમાચારો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ભારે પવન ફૂંકાતો હોય પીજીવીસીએલના થાંભલા પડી જવાને કારણે તેમજ ફિડર બંધ થવાના લીધે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
પીજીવીસીએલમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે બુધવારે આવેલા આંધી-વંટોળને કારણે રાજકોટ ગ્રામ્યમાં ૬૪, પોરબંદરમાં ૯, જૂનાગઢમાં ૧૧, અમરેલીમાં ૧૦૬ અને સુરેન્દ્ર નગરમાં ૧૫ મળી કુલ ૨૧૨ ફિડર બંધ થઈ ગયા હતા. જ્યારે જૂનાગઢમાં ૧૩, બોટાદમાં ૬૦, અમરેલીમાં ૧૪૬ અને સુરેન્દ્ર નગરમાં ૨૪ વીજપોલ ડેમેજ થયા હતા. ઉપરાંત ૧૮ ટ્રાનફોર્મરને નુકસાન પહોંચ્યું હતું. વીજપુરવઠો પૂર્વરત કરવા માટે પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.