મોરબી પોલીસ ‘ફિફા’ ખાંડતી રહી’ને દારૂની ૪૦ ગાડીનું કટિંગ’ થઈ ગયું !!
સ્ટેટ મોનિટરિંગ સેલે મોરબીમાં પાડી ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી દારૂની રેડ
અમદાવાદનો જીમિત પટેલ મહિને ૯૦,૦૦૦ ભાડું ચૂકવી પાંચ મહિનાથી દારૂનો કરતો’તો વેપલો: ૧.૫૧ કરોડની દારૂની ૬૧૧૫૨ બોટલ સાથે ૧૦ પકડાયા, મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ ફરાર
પેટા: ચોટીલા, થાન, વાંકાનેર, હળવદ સહિતના વિસ્તારોમાં સપ્તાહમાં બે ગાડીનું કટિંગ થતું હતું
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે બરાબર ત્યારે જ દારૂની રેલમછેલ થતી અટકાવવા માટે પોલીસે કમર કસી લીધી છે. જો કે મોરબી પોલીસને જિલ્લામાં દારૂનો દરિયો વહે તેમાં જ રસ હોય તેવી રીતે છેલ્લા પાંચ-પાંચ મહિનાથી દારૂની મોટાપાયે કટિંગ ચાલતું હોવા છતાં ધ્યાન આપવાની તસ્દી ન લેતા અંતે છેક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલપરમાં આવેલા ગોડાઉન પર ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી દારૂની રેડ કરીને ૧.૫૧ કરોડની કિંમતની ૬૧૧૫૨ બોટલ (૩૨૧૦ પેટી)નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારે દારૂનું કટિંગ છેલ્લા પાંચ મહિનાથી થઈ રહ્યું હતું એ હિસાબથી ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં ૪૦ ગાડીનું કટિંગ થઈ ગયું છે છતાં મોરબી પોલીસને તેની ગંધ સુદ્ધા ન આવી જે મુદ્દો અત્યંત શંકાસ્પદ ગણી શકાય.
ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.એચ.જાડેજા સહિતના સ્ટાફે મોરબી-વાંકાનેર હાઈ-વે પર લાલપર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્લોટ નં.૨૦માં આવેલા શ્રીરામ ગોડાઉન પર દરોડો પાડી દારૂનો મસમોટો જથ્થો, ૬૬.૫૦ લાખની કિંમતના ૭ વાહન સહિતના ૨,૨૦,૯૦,૪૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રમેશ પુંજાભાઈ પટણી (રહે.મુંબઈ, મુળ કચ્છ), ખીયારામ આલિયાસ ખવીરાજ સોનારામ જાટ (રહે.રાજસ્થાન), ગંગાપ્રસાદ કેવટ (રહે.મધ્યપ્રદેશ), મુકેશ માલાભાઈ ગમારા (રહે.માથક-મોરબી), જગસિંહ હરિલાલ કેવટ (રહે.મધ્યપ્રદેશ), શિવાકિરણ નર્મદાપ્રસાદ કેવટ (રહે.મધ્યપ્રદેશ), આકાશ કેવટ (રહે.મધ્યપ્રદેશ), સતેન્દ્રકુમાર (રહે.મધ્યપ્રદેશ, હાલ મોરબી), વિનોદકુમાર કેવટ (રહે.મધ્યપ્રદેશ, હાલ મોરબી), રવિશંકર કેવટ (રહે.મધ્યપ્રદેશ, હાલ મોરબી)ને પકડી પાડ્યા હતા.
પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો અમદાવાદના જીમિત શંકરભાઈ પટેલ, ભરત મારવાડી (રહે.રાજસ્થાન), રાજારામ મારવાડી, ઉમેશ બેનીવાલ સહિતનાએ મળીને મોરબીમાં ઉતાર્યો હતો. દારૂ ઉતારવાનો માસ્ટર માઈન્ડ જીમિત પટેલ છે જેણે લાલપર ગામે મહિને ૯૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવી ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉન માલિકની પૂછપરછ કરાતા તેણે કહ્યું હતું કે જીમિતે ગોડાઉનમાં પોલિમર તેમજ મીઠાનું પેકિંગ સહિતના કામનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ ગોડાઉન છેલ્લા પાંચ મહિનાથી ભાડે અપાયું હતું.
દારૂ મંગાવનાર બૂટલેગરોની શોધખોળ
છેલ્લા પાંચ મહિનાથી લાલપર ગામના ગોડાઉનમાં સપ્તાહમાં બે ગાડી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. આ દારૂ મોરબી ઉપરાંત હળવદ, થાન, ચોટીલા સહિતના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. અહીં દારૂ આવી પહોંચ્યા બાદ નાની-નાની ગાડીઓમાં ભરીને તેને અન્ય વિસ્તારોમાં મોકલાતો હતો ત્યારે હવે આ દારૂ ક્યો ક્યો બૂટલેગર મંગાવતો હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી પોલીસના તપેલા' ચડવાનું નિશ્ચિત
સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો દારૂનો દરોડો પાડ્યો છે ત્યારે આ રેડ બાદ મોરબી પોલીસના
તપેલા’ ચડી જવાનું નિશ્ચિત મનાય રહ્યું છે કેમ પાંચ-પાંચ મહિનાથી આટલી મોટાપાયે દારૂની હેરફેર થઈ રહી હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી ગઈ તે શંકા જન્માવનારો મુદ્દો હોય આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
એક બાજુ મોરબીમાં ક્રાઈમ કોન્ફરન્સ, બીજી બાજુ મોટી રેડ !
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મોરબીમાં રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા પાંચ જિલ્લાના વડાઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેના થોડા કલાકો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો મોટો જથ્થો પકડી પાડતાં પોલીસ અધિકારીઓમાં પણ સોપો પડી જવા પામ્યો હતો.