ભ્રષ્ટાચારી અનિલ મારૂના ઘરમાંથી ફદિયું’ય ન મળ્યું: રિમાન્ડ પર લેવાયો
રાજકોટમાં પહેલી જ વખત લાંચ લીધી’ને પકડાઈ ગયાનું રટણ: લોકર, બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ કરાશે
લાંચ લેવામાં બીજા કોઈના આશીર્વાદ' હોવા અંગે નનૈયો ફરિયાદ કરનાર ફરિયાદી પણ ચેક રિટર્ન કેસનો સામનો કરી રહ્યાનો ગણગણાટ
૧.૮૦ લાખ બાબતે ઉગ્ર રકઝક થતાં ફસાવી દેવાનું પ્લાનિંગ ઘડાયાની ચર્ચા
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે તેની સૌને આશા હતી. થોડા દિવસ સુધી નિયમોમાં આકરા ફેરફાર સહિતની કાર્યવાહી કરાઈ જેનાથી લોકોનો વિશ્વાસ પણ દૃઢ બન્યો હતો. જો કે થોડા જ દિવસ બાદ આ વિશ્વાસ પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગયો છે કેમ કે ક્લાસ-૧ કક્ષાના અધિકારી ૧.૮૦ લાખ જેવી માતબર રકમની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ ગયો હતો. ગેઈમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર જેલમાં ગયા બાદ તેના સ્થાને કચ્છ-ભૂજથી ઈન્ચાર્જ સીએફઓ તરીકે અનિલ મારૂને મુકાયો હતો પરંતુ તેણે પણલખણ’ ઝળકાવ્યા અથવા તો મહાપાલિકાના પાણીની અસર થઈ હોય તેવી રીતે લાંચ લેવાનું શરૂ કરી દેતાં મનપાની આબરૂ ઉપર ફરી બટ્ટો લાગી જવા પામ્યો છે.
એસીબી દ્વારા અનિલ મારૂને ૧.૮૦ લાખની લાંચ લેતાં સેન્ટ્રલ ઝોન કચેરીમાં તેમની ઓફિસમાંથી જ પકડી લેવાયો હતો. આ પછી ૧૫૦ ફૂટ રોડ પર આવેલા તેના ક્લાઉડ-૯ એપાર્ટમેન્ટમાં આવેલા ૭૦૩ નંબરના ફ્લેટની તલાશી લેતાં તેમાંથી ફદિયું’ય મળ્યું ન હોવાનું એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે અનિલ મારૂને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે. જો કે પ્રારંભીક પૂછપરછમાં તેણે રાજકોટમાં આવ્યા બાદ પહેલી વખત જ લાંચ લીધી અને પકડાઈ ગયાનું રટણ કરી રહ્યો છે પરંતુ તે વાત એસીબીના ગળે ઉતરી રહી નથી. હવે મારૂના બેન્ક લોકર, એકાઉન્ટ સહિતની તપાસ કરવામાં આવશે જે પૂર્ણ થયા બાદ તેની પાસે બેનામી ધન કે મિલકતો છે કે નહીં તેનો ખ્યાલ આવશે.
બીજી બાજુ અનિલ મારૂએ લાંચ લેવા પાછળ તેને કોઈના આશીર્વાદ' હોવાની વાતનો પણ નનૈયો ભણ્યો હોવાથી લાંચકાંડમાં બીજા કોઈનો હાથ હોવાની વાતનો છેદ ઉડી જવા પામ્યો છે.
મહાપાલિકા કચેરીમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે લાંચ માંગ્યા અંગેની ફરિયાદ કરનાર ફરિયાદી પણ અત્યારે ચેક રિટર્ન કેસનો સામનો કરી રહ્યા છે. જો કે આ મામલે સત્તાવાર કશું કહી શકાય તેવી સ્થિતિમાં કોઈ નથી કેમ કે લાંચ કેસમાં ક્યારેય પણ ફરિયાદીનું નામ જાહેર કરવામાં આવતું ન હોવાથી અત્યારે આ વાત ગણગણાટ સ્વરૂપે જ ગણવી રહી. બીજી બાજુ ફરિયાદીએ અગાઉ ૧.૨૦ લાખ રૂપિયાની લાંચ ચૂકવી દીધી હોવાનું એસીબી દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે કચેરીમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ૧.૮૦ લાખના ચૂકવણા બાબતે ઉગ્ર રકઝક થતાં અનિલ મારૂનેફિટ’ કરાવી દેવાનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું હોવાનું પણ બની શકે છે પરંતુ આ અંગે પણ ઓનપેપર કશું લેવામાં આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
અનિલ મારૂ ફ્લેટમાં એકલો જ રહેતો: પરિવાર ક્યારેક આવતો
લાંચ કેસમાં પકડાયેલા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિઇર અનિલ મારૂ ૧૫૦ ફૂટ રોડ પર ક્લાઉડ-૯ એપાર્ટમેન્ટના ૨ બીએચકેના ફ્લેટમાં એકલો જ રહેતો હોવાનું આસપાસના ફ્લેટધારકોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મારૂનો પરિવાર ક્યારેક અહીં આવતો હતો બાકી મોટાભાગે તે એકલો જ રહેતો હતો. તે સવારે પોતાની સત્તાવાર કાર લઈને નીકળી ગયા બાદ છેક સાંજે જ ઘેર આવતો હતો. અમુક વખત તેની સાથે તેના મિત્રો પણ ફ્લેટ પર આવતા હોવાનું લોકોએ જણાવ્યું હતું.
કોંગ્રેસે ચીફ ફાયર ઓફિસરની ઓફિસને ગંગાજળથી કરી પવિત્ર !
ચીફ ફાયર ઓફિસરને જાણે કે `ગ્રહણ’ લાગી ગયું હોય તેમ કાયમી અને ઈન્ચાર્જ એમ બન્ને ઓફિસરો અત્યારે કાંડનો સામનો કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા આ મામલે આક્રમક વિરોધ કરીને સીએફઓની ઓફિસમાં ગંગાજળ છાંટી તેને પવિત્ર કરવામાં આવી હતી. કોંગ્રેસે નાયબ મ્યુનિ.કમિશનર હર્ષદ પટેલને આપેલા આવેદનમાં જણાવ્યું કે સાગઠિયા, અલ્પના મિત્રા કાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે મારૂકાંડ થયો છે જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહાપાલિકાની સિસ્ટમ જ સડેલી છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો પાસેથી ફાયર બ્રિગેડે કરોહો રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ટૂંક સમયમાં સરકારને રિપોર્ટ કરીને મારૂને સસ્પેન્ડ કરાશે
ઈન્ચાર્જ સીએફઓ અનિલ મારૂ લાંચ લેતાં એસીબીના હાથે પકડાયા બાદ મહાપાલિકા દ્વારા તેને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ટૂંક સમયમાં મનપા દ્વારા સરકારને રિપોર્ટ કરવામાં આવ્યા બાદ મારૂને પણ સસ્પેન્ડ કરી દેવાશે. આ પછી ફરી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક માટે સરકારે `કસરત’ કરવાની રહેશે.
