મોદી રાજકોટ એરપોર્ટ પર ૯૦ સેક્નડ રોકાયા: માત્ર હાથ મીલાવી રવાના
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત વજુભાઈ વાળા સહિતને મળ્યા: પોલીસ-ભાજપ નેતાઓનો સવારથી જ એરપોર્ટ પર મુકામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર, સોમનાથ, સાસણ સહિતની મુલાકાત પૂર્ણ કરીને રાજકોટ એરપોર્ટ ઉપર હેલિકોપ્ટર મારફતે ઉતર્યા હતા. અગાઉ એવી તૈયારી કરવામાં આવી હતી કે વડાપ્રધાન વીઆઈપી રૂમમાં પંદરેક મિનિટ સુધી રોકાણ કરી રાજકોટ ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે અથવા તો શુભેચ્છા મુલાકાત કરશે પરંતુ મોદી માત્ર ૯૦ સેક્નડ સુધી જ એરપોર્ટ પર રોકાઈને સીધા દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.
બીજી બાજુ વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરનાર હોવાની જાહેરાત થતાં જ પોલીસ દ્વારા રવિવારે પ્રોટોકોલ પ્રમાણે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું તો સોમવારે સવારથી જ પોલીસ તેમજ અન્ય તંત્ર ઉપરાંત શહેર ભાજપના નેતાઓ એરપોર્ટ પહોંચી ગયા હતા.
મોદી હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને દોઢ મિનિટ મતલબ કે ૯૦ સેક્નડ રોકાયા હતા. આ દરમિયાન તેમણે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના સાથે હાથ મીલાવ્યો હતો. આમ તો કશી ખાસ વાતચીત થઈ ન્હોતી પરંતુ વજુભાઈ વાળા સાથે વાતચીત કરીને વડાપ્રધાન હસી પડ્યા હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું.