રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં મોબાઈલ સેવા “આઉટ ઓફ કવરેજ”…!!!
ડિપારચર કરતાંની સાથે મોબાઇલ નેટવર્ક ઠપ્પ,પેસેન્જર્સને પરેશાની:કર્મચારીઓને પણ વાત કરવા બહાર આવવું પડે છે;કેન્ટીનમાં પણ ચા ની ચૂસકી જ ખાલી મળતી હોવાની ફરિયાદો ઉઠી:આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી
ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટમાં 326 કરોડના ખર્ચે બનેલા આધુનિક ટર્મિનલમાં તમામ મોબાઈલ નેટવર્ક “આઉટ ઓફ કવરેજ” અને “માત્ર ચા ની ચૂસકી”સિવાય કોઈ ખાણી-પીણીની સુવિધા કેન્ટીનમાં ન મળતી હોવાની વ્યાપક ફરિયાદ પેસેન્જર્સમાંથી ઉભી થઇ છે.આ અંગેની રજૂઆતો ટ્રાવેલ એજન્ટોને મળતાં તેઓએ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ આ પ્રશ્ન રજૂ કરી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આ સુવિધા તાત્કાલિક શરૂ કરવા માંગણી કરી છે.
મુસાફરોની એવી રજૂઆત સામે આવે છે કે, નવા ટર્મિનલમાં એન્ટ્રી કરતાંની સાથે જ મોબાઈલ નેટવર્ક આઉટ ઓફ કવરેજ થઈ જાય છે,કોઈ પણ કંપનીનું નેટવર્ક મળતું ન હોવાથી પારાવાર પરેશાની પેસેન્જર્સ માટે ઉભી થઇ છે. જોકે આ બાબતે એરપોર્ટના કર્મચારીઓએ પણ ફરિયાદ કરી હતી કે નવા ટર્મિનલમાં મોબાઈલનું કવરેજ આવતું નથી, ઈન્કમિંગ કે આઉટગોઈંગની સેવા ખોરવાઈ જાય છે.આ ઉપરાંત વાઇફાઇની સુવિધા પણ ઠપ્પ છે.
મુસાફરો ફ્લાઈટમાં બેસી તેમના નવાં ડેસ્ટિનેશન સુધી પહોંચતા નથી ત્યાં સુધી કોઈ સાથે કનેક્ટ થઈ શકતાં નથી,જો ટર્મિનલમાં બોર્ડિંગ,ચેકઇન કે અન્ય પ્રોસેસ કરવાની થાય ત્યારે મોબાઈલ કનેક્ટિવિટી ન મળતાં હેરાનગતિ થઈ રહી છે,જ્યારે કર્મચારીઓને પણ વાત કરવા માટે ટર્મિનલ બિલ્ડીંગથી બહાર જવું પડે છે.આ સમસ્યાનો ઉકેલ જલ્દીથી લાવવા ઓથોરિટીને પ્રબળ રજુઆત કરી છે.
બોક્સ 1 બી.એસ.એન.એલ.સાથે વાટાઘાટો ચાલુ,ટાવર નાંખશે તો નેટવર્ક મળશે
23,000 સ્કેવર મીટર અને પિકઅવરમાં એક સાથે 2800 મુસાફરોનું સંચાલન કરી શકે આ ઉપરાંત અનેક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલમાં હાલના તબકકે માત્ર મોબાઈલ નેટવર્કનો મોટો પ્રશ્ન છે,જિયો અને અન્ય કંપનીઓના ટાવર ટર્મિનથી ખાસ્સા દૂર છે,હાલમાં બીએસએનએલ સાથે ઓથોરિટીને વાટાઘાટો ચાલી રહી છે તેમ ઓથોરિટી નાં સૂત્રોએ જણાવ્યું હતું.બી.એસ.એન.એલ.પોતાનો ટાવર નાખી દેશે તો આઉટ ઓફ નેટવર્કની સમસ્યા દૂર થઈ જશે.
બોક્સ…2 કેન્ટીનમાં ખાણી-પીણીની પૂરતી સુવિધા ન હોવાની ફરિયાદો
નવાં ટર્મિનલમાં ડિપારચર અને અરાઇવલમાં કેન્ટીન તો શરૂ થઈ ગઈ છે પણ હજુ પૂરતું મેન્યુ નથી મળતું તેવી પેસેનરોની ફરિયાદ છે. કેન્ટીન માટેના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. બાલાજી વેફર, રાજકોટના જાણીતા ચેવડા અને પેંડા સહિત વસ્તુઓ મળશે પણ હજુ જે શરૂ નથી થયું, તાજેતરમાં હૈદરાબાદ ની ફ્લાઈટ મોડી હોવાના લીધે પેસેન્જર્સને “ચા”સિવાય કશું ન મળ્યું હોવાની ફરિયાદ કરી છે.