તૂટી ગયેલા રસ્તા ઉપર ધારાસભ્યો બે-બે કરોડના થીગડાં મારી શકશે
રાજકોટના ૬૦ રસ્તા ઉપર કુલ ૩૭ કિલોમીટરની લંબાઈના ખાડા અને ૭૭ કરોડનું નુકસાન
રોડની હાલત સુધારવા માટે રાજકોટનાં ચાર ધારાભ્યોને 8 કરોડ મળ્યા
તમામ મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને માટે વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી
તાજેતરના ભારે વરસાદને લીધે માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં રસ્તાની હાલત બગડી ગઈ છે અને માર્ગો ઉપર પડેલા ખાડાથી લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રસ્તાની હાલત સુધારવા માટે બે બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે. આ ગ્રાન્ટમાંથી ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં રોડ રીપેરીંગનાં કામ કરી શકશે. રાજકોટમાં ચાર ધારાસભ્ય છે અને એ હિસાબે અહી ૮ કરોડ રૂપિયાના રસ્તાના કામ કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ ૬૦ રસ્તાની હાલત ખરાબ થઇ ગઈ છે અને તેના ઉપર ૩૭ કિલોમીટરની લંબાઈના ખાડા પડી ગયા છે. આ વરસાદથી મહાપાલિકાને ૭૭ કરોડનું નુકસાન થયું છે અને આ માટે રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે.
રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે.
મહાનગરપાલિકાઓએ સંબંધિત ધારાસભ્યના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.