જીવદયા માટે જીવન સમર્પિત કરનાર મિત્તલ ખેતાણી
બેંકમાં સારા પેકેજની નોકરી છોડી સેવાકીય પ્રવૃતિમાં જોડાયા
પિતાના પગલે ૨૫ વર્ષથી કરી રહ્યા છે જીવદયાના કાર્યો: નંદીની સારવાર માટે ફોન આવ્યો અને શરૂ
કર્યું કરુણા ફાઉન્ડેશન: ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં સલાહકાર તરીકે આપે છે માનદસેવા

રાજકોટમાં એક એવી વ્યક્તિ છે કે જેમણે બેંકમાં સારા એવા પેકેજની નોકરી છોડીને જીવદયાની શરૂઆત કરી. પિતાની સેવાકીય પ્રવૃતિને અનુસરીને ૨૫ વર્ષ પહેલા જીવદયા શરૂ કરનાર અને ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં માનદ સલાહર તરીકે સેવા આપતા મિતલ ખેતાણી કે જેમણે ૨૦ વર્ષ પહેલા કરુણા ફાઉન્ડેશન શરૂ કર્યું. તેમનું કહેવું છે કે, સેવા એટલે નિજાનંદ.
શહેરના સેવાભાવી વ્યક્તિ મિતલભાઈ ખેતાણી એરટેલ, એચડીએફસી બેંકમાં સૌરાષ્ટ્ર-ગુજરાત કક્ષાના હેડ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના પિતા જીવદયા અને સેવાકીય પ્રવૃતિ કરતાં હોય તેમના પગલે પુત્ર મિતલભાઈ પણ નોકરી છોડીને સેવાકીય પ્રવૃતિમાં જોડાયા. પ્રથમ રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેમાં સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે ગૌ હત્યા, જીવ હત્યા, જીવતા પ્રાણીઓની નિકાસ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પણ લડી છે. જ્યારે વૈશ્વિક કક્ષાએ જીવદયા, ગૌસેવા, શાકાહાર, અભયદાન પ્રવૃતિઓમાં કાર્યરત છે. ઉપરાંત તેઓ લેન્ડ ડેવલોપર, કવિ, લેખક પણ છે.
લેખન, સંચાલનનો શોખ ધરાવતા અને સંયુક્ત પરિવારમાં રહેતા મિતલભાઈએ મૂંગા પશુ-પક્ષીઓ માટે સેવા કરવાનું શરૂ કર્યું. આ માટે એમણે ૨૦ વર્ષ પહેલા કરુણા ફાઉન્ડેશન શરૂ કર્યું. જેના તેઓ હાલમાં પ્રમુખ પણ છે. આ નિ:શુલ્ક સેવા ૨૪ કલાક ૨૦ વર્ષથી અવિરત શરૂ છે. અગિયાર એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક પણ વસાવવામાં આવ્યા છે. મૂંગા પશુઓની સેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તેના જવાબમાં મિતલભાઈએ “વોઇસ ઓફ ડે”ને જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા મને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને બીમાર નંદીની સારવાર માટે મદદ માંગી હતી. એ સમયે મારામાં સાત્વિક અહમ હતો કે, મારાથી આ કામ થઈ જશે. નંદીની સારવાર માટે જુદા-જુદા વ્યક્તિઓનો સંપર્ક કર્યો અનેઅંદાજે ૨૦ થી વધુ ફોન પણ કર્યા પરંતુ કામ ન થયા. બાદમાં મે મૂંગા પશુઓ માટે કઈક કરી છૂટવાના હેતુથી કરુણા અભિયાન શરૂ કર્યું. તેઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરે છે અને પશુસેવા, શાકાહાર, માનવતાના કામ થાય તે માટે સેવા કરતાં લોકોને મદદ કરે છે.
સેવાકીય પ્રવૃતિ પાછળના એમના ઉદ્દેશ્ય વિષે કહ્યું કે, લોકોની માનસિકતામાં પરિવર્તન થાય છે અને ભાવ હિસા એટકે તેવો હેતુ છે. સેવાકીય પ્રવૃતિમાં હાર્ટની સાથે માઇન્ડ પણ ઉમેરાવવું જોઈએ તેવું મિતલભાઈનું માનવું છે. આજના સમયમાં અનેક લોકો નોનવેજ ખાય છે, દારૂ પીવે છે, આ બંને બાદ ખરાબ સંગતમાં આવે છે અને પૈસાની જરૂરિયાત થાય છે. જેના કારણે તેઓ ખરાબ ધંધામાં પગ મૂકે છે અને અંતે તેતો બરબાદ થાય જ છે સાથે તેનો પરિવાર પણ બરબાદીના બારણે આવીને ઊભો રહે છે. આમ એક સ્વસ્થ સમાજ માટે પણ વ્યક્તિ શાકાહારી બને તે જરૂરી છે.
એમણે વધુમાં કહ્યું હતું કે, ભારતને પાકિસ્તાન, ચીન જેવા પાડોશી દેશથી ખતરો નથી પરંતુ દેશને જે ખતરો છે તે સંસ્કૃતિ ઉપર છે. ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામા આવી રહ્યું છે તે બાળકોને બરબાદ કરી રહ્યું છે. જો સારું ક્નટેન્ટ નહી આવે તો બાળકો બરબાદ થઈ જશે. ઓટીટી પ્લેટફોર્મ પર જે વિકૃતિઓ, હિસા પીરસવામાં આવી રહી છે તેની સામે સેન્સરશીપ આવે તેવી માંગ સ્થાનિક સાંસદો દ્વારા સંસદમાં પણ મુદ્દો ઉઠાવડાવ્યો છે. એમણે કહ્યું હતું કે, રાજકોટમાં આત્મહત્યાના કિસ્સા વધુ બને છે લોકો ડિપ્રેશનમાં વધુ છે, છૂટાછેડા પણ વધુ થાય છે ત્યારે આ માટે એક હેલ્પલાઈન કરવાની પણ ઈચ્છા એમણે “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.
પોતાની સેવાકીય પ્રવૃતિના ૨૫ વર્ષ દરમિયાન મિતલભાઈએ રક્તદાનના ૩ હજારથી વધુ, ચક્ષુદાનના ૧ હજારથી વધુ કેમ્પ કર્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન ૬ હજારથી વધુ ગૌમાતાઓ માટે કેટલ કેમ્પની વ્યવસ્થાના મુખ્ય સંચાલક રહ્યા છે.
સંસ્કૃતિ યોધ્ધા તરીકે રાજ્ય સરકારે એવોર્ડથી નવાજ્યા
રાજકોટ સહિત સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃતિ કરતાં મિતલભાઈને તેમના સંસ્કૃતિ બચાવવાના અભિયાન માટે સંસ્કૃતિ યોધ્ધા તરીકે રાજ્ય સરકારે તાજેતરમાં એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૩૩ વર્ષની યુવા વયે ગારડી એવોર્ડ, રાજ્ય અને ભારત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, જીવદયા અને ગૌસેવા પ્રવૃતિઓમાં અનેકવાર સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે લોહાણા મહાપરિષદનો વિશિષ્ઠ રઘુવંશી પ્રતિભા તરીકેનો અને શ્રેષ્ઠ ગૌ સેવક તરીકેનો પ્રતિષ્ઠિત, ઇન્ટરનેશનલ એવોર્ડ બે વાર મળ્યો છે.
અનેક સેવાકીય સંસ્થાઓ-ટ્રસ્ટમાં ટ્રસ્ટી પ્રમુખ તરીકે કાર્યરત
સેવાકીય પ્રવૃતિ માટે જાણીતા મિતલભાઈ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેઓ ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં માનદ સલાહકાર તો છે તે ઉપરાંત તેઓ ભારત સરકારના એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય, રાજ્ય સરકારના સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડમાં સભ્ય, પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સેક્રેટરી, ગ્લોબલ ક્નફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝના જનરલ સેક્રેટરી, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી, વેજીટેરિયન સોસાયટીના સ્થાપક સહિત અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના પ્રમુખ, છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના આંગણે વિશ્વ લોહાણા જ્ઞાતિ ભોજન-મહાપ્રસાદનો પ્રારંભ કરાવી દર વર્ષે લાખો રઘુવંશીઓને એક સાથે, એક સ્થળે એક સમયે સમૂહ ભોજન કરાવી એકતાના સૂત્રે બાંધવા આયોજક, ઉદઘોષક તરીકેની જવાબદારી સાંભળી રહ્યા છે.