હાઉસફુલ ! રાજકોટમાં માર્ચ એન્ડિંગમાં અધધધ દસ્તાવેજ નોંધણી
સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા કામગીરીને પહોંચી વળવા સવારે દોઢ કલાક અને સાથે એક કલાક સમય વધારવા દરખાસ્ત કરાઈ
રાજકોટ : રાજકોટ શહેર જિલ્લામાં માર્ચ એન્ડિંગ અને જાહેર રજાઓના જમાવડાને કારણે દસ્તાવેજ નોંધણીમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, એક એક ઝોનમાં દરરોજ દસ્તાવેજ નોંધણીમાં ફક્ત 37 સ્લોટ જ મળતા હોવાથી માર્ચ એન્ડિંગના કારણે તમામ સબરજિસ્ટ્રાર કચેરીમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
રાજકોટ જિલ્લામાં જંત્રીદરમાં વધારાની શક્યતાઓ વચ્ચે જમીન અને મકાનના દસ્તાવેજ કરાવવા માટે લોકો કતાર લગાવી રહ્યા છે, ખાસ કરીને રાજકોટના ઝોન-7માં કોઠારીયા વિસ્તારમાં અભૂતપૂર્વ તેજી વચ્ચે કોઠારીયા સબરજિસ્ટ્રાર કચેરીમાં આગામી 1લી એપ્રિલ સુધીના તમામ સ્લોટ બુક થઇ ચુક્યા છે તો રાજકોટ ઝોન -8માં તાલુકા વિસ્તારમાં પણ 26 તારીખ સુધીના તમામ સ્લોટ બુક થઇ ચુક્યા છે. શહેરની અન્ય સબરજિસ્ટ્રાર કચેરીમાં પણ દસ્તાવેજ નોંધણીમાં લાવ-લાવની સ્થિતિ જોવાઈ રહી છે.
સબરજિસ્ટ્રાર કચેરીના સૂત્રોના મતે હાલમાં માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યો હોય દસ્તાવેજ નોંધણીમાં વધારો જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત બેન્કમાંથી મોર્ગેજ લોન લેવા માટે પણ લોકોની કતારો છે અને બેંકો પણ ટાર્ગેટ પૂર્ણ કરવા મોટાપ્રમાણમાં મોર્ગેજ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરાવવા આવી રહી છે. ઉપરાંત આગામી અઠવાડિયામાં રજાઓની પણ ભરમાર હોવાથી હાલમાં શહેરની તમામ સબરજીસ્ટ્રા કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં કતારો લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
