આજથી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
જામનગર, અમરેલી, ભાવનગર સહિતના શહેરમાં માવઠું થવાની શક્યતા
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આજથી કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજસ્થાન પર બે, મધ્યપ્રદેશ અને આરબ સાગર પર એક-એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી શકે છે.
હવામાન વિભાગે આજથી નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તો વળી આગામી પાંચ દિવસ દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૨ અને ૧૩મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો વળી તા.૧૪મીએ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.