ઠંડી પાર્ટ -2 ! રાજકોટમાં પારો ફરી સિંગલ ડિજીટમાં
સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો, તડકો પણ બે અસર
રાજકોટમાં બે દિવસ પૂર્વે મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયા બાદ સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે ઠંડી પાર્ટ -2 નો નવો રાઉન્ડ શરૂ થયો છે, રાજકોટ સહિત રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે મહત્તમ તાપમાન પણ 3 ડિગ્રી સુધી ઘટી જતા લોકોને દિવસભર ગરમ વસ્ત્રો પહેરવા પડયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.સોમવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું.

જમ્મુ કશ્મીરમાં સતત થઇ રહેલી હિમવર્ષા વચ્ચે ફરી પૂર્વ દિશામાંથી સુસવાટા મારતા પવન ફૂંકાવા લાગતા ત્રણેક દિવસની રાહત બાદ ફરી એક વખત હાડધ્રુજાવતી ઠંડી શરૂ થઇ છે.સોમવારે નલિયામાં 6.4 ડિગ્રી, રાજકોટમાં પ્રથમ વખત લઘુતમ તાપમાનનો પારો 8.2 ડિગ્રી નોંધાયો હતો.આ ઉપરાંત પોરબંદરમાં 10.6, જુનાગઢમાં 14.9, અમરેલીમાં 10.6, ભાવનગરમાં 13.6, દ્વારકામાં 14.6, વેરાવળમાં 13.5, અમદાવાદમાં 13.5, ડીસામાં 12.1, ગાંધીનગરમાં 11.7, વડોદરામાં 14.2 અને સુરતમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.