એમ.ડી.સાગઠિયા: ટાઉન પ્લાનર કે વ્યાજખોર ?
૩૫ લાખ વ્યાજે આપીને યુનિ. રોડ વિસ્તારમાં ૯૬ વાર જગ્યા પચાવી પાડી’ને ત્યાં બનાવ્યું પાંચ માળનું અલખધણી' એપાર્ટમેન્ટ
૯૬ વાર જગ્યા પૂરી ન પડી તો ત્યાં જ આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ૫૦ વાર જગ્યા પણ
દબાવી’
‘અલખધણી' બિલ્ડિંગ તૈયાર કરવા માટે મનપાની જ રેતી, પાણી સહિતનો ઉપયોગ કર્યો
મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનોજ સાગઠિયાના દરરોજ નવા-નવા કારસ્તાન બહાર આવી રહ્યા છે. ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન સાગઠિયાએ જ્યાં ઈચ્છા પડી ત્યાં હાથ મારીને જબરી માલ-મિલકત એકઠી કરી લીધી છે. જો કે પાપનો ઘડો ધીમે ધીમે ભરાઈ રહ્યો હોય ટીઆરપી ગેઈમઝોન દૂર્ઘટના બાદ તે ફૂટી ગયો છે અને અત્યારે ચારે બાજુ સાગઠિયાએ કરેલા કારનામા બહાર આવી રહ્યા છે. સાગઠિયાએ બેનામી મિલકતો ઘણી વસાવી છે જેમાં ફાર્મહાઉસ, પેટ્રોલ પંપ સહિતનો સમાવેશ થાય છે ત્યારે હવે એવો ખુલાસો થયો છે કે તેણે વ્યાજખોરી પણ કરી લીધી છે !! આ ખુલાસો સાગઠિયાને બરાબર રીતે ઓળખતી એક વ્યક્તિએ જ કર્યો છે.
આ વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં એમ.ડી.સાગઠિયાએ
અલખધણી’ નામનું પાંચ માળનું એપાર્ટમેન્ટ બનાવ્યું છે જ્યાં એક માળ ઉપર બે ફ્લેટ બનાવાયા છે. આ એપાર્ટમેન્ટ આમ તો ૧૪૬ વારમાં બનેલું છે. જો કે ૯૦ વાર જગ્યા બીપીન સોલંકી નામની વ્યક્તિની હતી જેને સાગઠિયાએ ૨૦૧૭-૧૮માં ૩૫ લાખ જેટલી રકમ વ્યાજે આપી હતી. થોડો સમય વ્યાજ વસૂલ્યા બાદ સાગઠિયાએ આ જગ્યા પચાવી પાડી હતી અને તેના ઉપર એપાર્ટમેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
સાગઠિયાની ધાક એટલી હતી કે તેની સામે વ્યાજખોરીની ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું જેના કારણે જ બીપીન સોલંકીએ ૩૫ લાખમાં કિંમતી જમીન સાગઠિયાને આપી દીધી હતી. આ પછી સાગઠિયાની નજર એપાર્ટમેન્ટની પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ ઉપર પડી હતી. એપાર્ટમેન્ટ બનાવવા માટે જગ્યા ખૂટતી હોવાથી તેણે ૯૬ વાર ઉપરાંત બીજી ૫૦ વાર જગ્યા પચાવી પાડી હતી જેના કારણે ૧૪૬ વાર જગ્યામાં તેનું એપાર્ટમેન્ટ તૈયાર થવા લાગ્યું હતું.
એપાર્ટમેન્ટ તૈયાર કરવા માટે સાગઠિયાએ મહાપાલિકાની જ રેતી, પાણી સહિતનો ઉપયોગ કર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે ત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ આ દિશામાં તપાસ કરે તો ઘણા રહસ્યો ઉજાગર થઈ શકે તેમ છે.
આ જગ્યા સાગઠિયાના સસરાના નામે
એવું પણ જાણવા મળ્યું છે કે સાગઠિયા પોતે અનામિકા સોસાયટીમાં રહે છે અને `અલખધણી’ એપાર્ટમેન્ટની જગ્યા તેણે સસરાના નામે કરેલી છે. હાલ અત્યારે અહીં તેના બે સાળા, સસરા અને પોતે રહેતો હતો કેમ કે તેનો બંગલો તૈયાર થઈ રહ્યો હોવાથી તેણે પણ અહીં જ તંબુ તાણ્યા હતા.
બે બેડ, હોલ, કિચનની સુવિધા જેની કિંમત ૨૫ લાખ ગણાય
સાગઠિયાએ `અલખધણી’ નામનું એપાર્ટમેન્ટ બનાવ્યું છે તેમાં પ્રત્યેક માળે બે ફ્લેટ આવેલા છે. દરેક ફ્લેટ બે રૂમ, હોલ અને કિચનની સુવિધાથી સજ્જ છે. આ રીતે જોવા જઈએ તો એક ફ્લેટની કિંમત ૨૫ લાખ રૂપિયા ગણાય ત્યારે અહીં ૧૦ ફ્લેટ હોવાથી તે પ્રમાણે આખા એપાર્ટમેન્ટની કિંમત અધધ અઢી કરોડ જેવી થવા જાય છે.