રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમ શરૂ
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે એમ.સી.એમ.સી.ના સભ્યોને તાલીમ આપી સજ્જ કરાયા
રાજકોટ : લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટિ (એમ.સી.એમ.સી.)ની બેઠક સહ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં એમ.સી.એમ.સી. કમિટીમાં ફરજ બજાવનારા ૨૫થી વધુ સભ્યોને કમિટીની કામગીરી બાબતે જાણકારી તથા માર્ગદર્શન આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.નો કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એમસીએમસી કમિટીને તાલીમ આપી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમા ચૂંટણી મામલતદાર એમ.ડી. દવેએ સભ્યોને સમાચારોનું નિરિક્ષણ કઈ રીતે કરવું તથા તેનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પ્રતિબદ્ધતા સાથે તથા ચૂંટણી પંચના જવાબદાર કર્મચારી-અધિકારી-સ્ટાફ તરીકે કામ કરવા જણાવ્યું હતું.
એમ.સી.એમ.સી.ના નોડલ અધિકારી સોનલ જોષીપુરાએ સૌ સભ્યોને ન્યૂઝ મોનટરિંગ વખતે શું તકેદારી રાખવી, કામગીરી કઈ રીતે શિફ્ટ મુજબ કરવી તેની સમજ આપી હતી. આ કામગીરી નિયમિત રીતે કરવા તેમજ ન્યૂઝ મોનટિરિંગની બારીક બાબતોની સમજ આપી હતી. જો ક્યાંય આચારસંહિતા ભંગ થતા ન્યૂઝ દેખાય, સમાજના બે જૂથ વચ્ચે વૈમનસ્ય સર્જતી ઉશ્કેરણી જનક બાબતો સમાચાર સ્વરૂપે દેખાય તો તે અંગે અધિકારીનું ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું.જ્યારે નાયબ મામલતદાર મૌલિક ઉપાધ્યાયે એમ.સી.એમ.સી.ની કામગીરીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજ આપી હતી. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે એમ.સી.એમ.સી.ની કામગીરી કેટલી મહત્વની છે, તે સમજાવ્યું હતું. તેમણે કેટલાક ઉદાહરણો સાથે એમ.સી.એમ.સી.એ ગઈ ચૂંટણીમાં કરેલી નોંધપાત્ર પ્રશંસનીય કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નોંધનીય છે કે, એમ.સી.એમ.સી. કમિટીમાં ફરજ બજાવનારા મોટાભાગના દિવ્યાંગ કર્મચારીઓ છે અને તેમને તેઓની વિશેષતા પ્રમાણે ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. તેઓ ઉત્સાહ સાથે આ રાષ્ટ્રીય ફરજમાં જોડાયા છે. આજની તાલીમમાં કમિટીના સભ્યો નોંધપાત્ર સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમને બજાવવાની ફરજ અંગે અવગત થયા હતા.