રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે માવઠાની આગાહી
આજે સુરત, ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આજથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વચ્ચે રાજકોટમાં શુક્રવારે તાપમાન ૪૦ ડિગ્રીથી ઘટીને ૩૯ ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા.૧૩મીએ એટલે કે આજે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૪મી એપ્રિલે નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે રાજ્યમાં ૩ દિવસ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે.
મહત્વનું છે કે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાહોદના લીમડીમાં ભર ઉનાળે વરસાદ ત્રાટક્યો હતો. ભારે પવન અને વરસાદ વરસતા અનેક કાચા મકાનોના પતરાં ઉડી ગયા હતા. જ્યારે મીરાખેડીમાં ધોધમાર વરસાદ ખબક્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ઉપરાંત પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ પણ કમોસમી વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.