સિવિલ હોસ્પિટલમાં દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળી આવ્યો !!
અકસ્માતમાં ઘવાયેલા યુવકની સિસ્ટરે તલાસી લેતા માદક પદાર્થ મળી આવતા સિક્યુરીટી સ્ટાફને જાણ કરાઇ : સિક્યુરીટી સ્ટાફે ઘટનાની પોલીસ કે ઉચ અધિકારીને જાણ ન કરી ફરિયાદ ન કરવાનો નિર્ણય પણ લઇ લીધો
રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક વાર કોઈને કોઈ બાબતને લઈ વિવાદમાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલમાં દાખલ દર્દી પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યાની ચકચાર મચી જવા પામી હતી. રાજસ્થાનના જોધપુરમાં થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંગાળી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.અને આ દર્દીનું ખિસ્સું ચેક કરતાં સિસ્ટરને ગાંજાનું પેકેટ મળી આવ્યું હતું. અને તે સિક્યુરીટી ગાર્ડને સોંપ્યું હતું.પરંતુ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ મામલે પોલીસ કે હોસ્પિટલના અધિકારીઓને જાણ જ કરવામાં આવી ન હતી.
વિગત મુજબ મુળ બંગાળના અને સોની કામ કરતા યુવાનને રાજસ્થાનના જોધપુરમાં અકસ્માત નડ્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થતાં તેના સબંધી રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતા હોય જેથી યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને પીએમજેવાય બિલ્ડીંગના પ્રથમ માળે દાખલ કરવામાં આવ્યો હતો.દરમિયાન ફરજ પર હાજર સિસ્ટરને દર્દીના ખિસ્સામાંથી ગાંજાનો જથ્થો મળી આવતા તેણીએ ઈન્ચાર્જ સિસ્ટરને જાણ કરી હતી જેથી સિસ્ટર દ્વારા સિક્યુરીટીને જાણ કરી હતી. અને સિક્યુરીટી દ્વારા માદક પદાર્થ કબ્જે કરાયો હતો.જો કે, માદક પદાર્થ પકડાયા અંગે ફરિયાદ કરવા કોઈ તૈયાર ન હોવાથી સવારથી મામલો ચકરાવે ચડ્યો હતો.અને આ વાતની કોઈ જવાબદાર અધિકારીને પણ જાણ કરવામાં આવી ન હતી.જેથી સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ ગાંજાના જથ્થાને પોતાની પાસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો.