રાજકોટના અનેક મેડિકલ સ્ટોર્સ નિયમોની કરે છે ઐસી તૈસી !
કોઈ પણ મેડિકલ સ્ટોરની અંદર કે બહાર દવાના ડિસ્કાઉન્ટનું બોર્ડ નહીં લગાવવાનો નિયમ ૨૦૧૫થી અમલી છતાં ઘણાખરા તેનું પાલન કરી રહ્યા નથી: ગુજરાત કેમીસ્ટ એસો.એ ફરી નિયમની `યાદી’ આપી, પાલન થશે ?

રાજકોટમાં આમ તો અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ આ નિયમો માત્રને માત્ર કાગળ ઉપર જ અમલમાં હોય અથવા તો લોકોના ધ્યાન ઉપર તે ન હોવાને કારણે ધંધાર્થીઓ તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને વાત જ્યારે મેડિકલ સ્ટોર્સની આવે ત્યારે જો તે નિયમોનું પાલન ન કરતા હોય તો ખરેખર તે ચિંતાનો વિષય ગણાશે કેમ કે શહેરમાં દરરોજ લાખો રૂપિયાની દવાનું વેચાણ થઈ રહ્યું છે. શહેરના અનેક મેડિકલ સ્ટોર્સ એવા છે તે ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ, રાહત ભાવ સહિતના સુફિયાણા બોર્ડ લગાવે છે જે નિયમની સદંતર વિરુદ્ધની વાત છે.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે કોઈપણ મેડિકલ સ્ટોરની અંદર કે બહાર દવાના ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવી શકાતું નથી તેવો નિયમ ૨૦૧૫થી અમલમાં છે પરંતુ રાજકોટમાં અનેક મેડિકલ સ્ટોર છડેચોક તેનો ભંગ કરી રહ્યા છે. બીજી બાજુ લોકોમાં જાગૃતતા ન હોવાને કારણે તેઓ આ દિશામાં ધ્યાન આપતા નથી અથવા તો જાણકારી હોવા છતાં અમુક લોકો ફરિયાદ કરવાનું ટાળતાં હોવાથી ધંધાર્થીઓેને ફાવતું મળી ગયું છે.

ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સુચના આપવામાં આવી છે કે કોઈ પણ મેડિકલ સ્ટોર દવાના ડિસ્કાઉન્ટના બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આવા મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ થઈ શકે: અનિમેષ દેસાઈ
રાજકોટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના સેક્રેટરી અનિમેષ દેસાઈએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ફાર્મસી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૫, ૧૨/૧ અંતર્ગત કોઈ પણ મેડિકલ સ્ટોર દવા પર ડિસ્કાઉન્ટના બોર્ડ લગાવી શકતું નથી. જો આ પ્રકારનું બોર્ડ લગાવેલું હોય તેની ફરિયાદ મળે તો તે સ્ટોરનું લાયસન્સ રદ્દ થઈ શકે છે. રાજકોટમાં અત્યારે ઘણાખરા મેડિકલ સ્ટોર આ નિયમોનું પાલન કરી રહ્યા નથી પરંતુ તેમની સામે ફરિયાદ ન કરાતી હોવાને કારણે કાર્યવાહી થઈ ન રહ્યાનું પણ તેમણે જણાવ્યું હતું.