રસ્તાના ઠેકાણા નથી’ને હવે શેરી-ગલીઓની કાયાપલટ કરશે મનપા !
ટ્રાફિક પ્રમાણે ડિઝાઈન કરાશે: જર્મન એજન્સી સાથે હાથ મીલાવ્યા: શહેરના રસ્તાઓને હાઈ-વે થતાં અટકાવાશે સાથે સાથે જરૂરી માળખું ઉભું કરાશે
રાજકોટમાં અનેક એવા રસ્તાઓ આવેલા છે જ્યાં આખો દિવસ ટ્રાફિક જામ સિવાય કશું થતું નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં પોલીસ અને મનપા એમ બન્ને તંત્ર નિષ્ફળ નિવડ્યા છે ત્યારે હવે રસ્તાને સુધારવાનું કોરાણે મુકી જર્મનીની એજન્સી સાથે મળીને શેરી-ગલીઓની કાયાપલટ કરવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે !
કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા `કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ’ માટે ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરની પસંદગી કરી હતી. અહીં જર્મનીની એજન્સી જીઆઈઝેડ દ્વારા કાર્યવાહી કરાશે. આ અંગેનો વર્કશોપ યોજાયો હતો જેમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે મનપા દ્વારા ગટર, પાણી અને ડે્રનેજની સુવિધાઓ અપાઈ જ રહી છે પરંતુ વધી રહેલા શહેરીકરણનો મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જરૂરી બની જાય છે. રાજકોટમાં વિવિધ એજન્સીઓના સહકાર થકી શેરી-ગલીઓની ડિઝાઈન બદલવા મનપા કાર્યવાહી કરી રહી છે. ડીસીપી પૂજા યાદવે જણાવ્યું કે નાની-નાની બાબતો પણ ઘરી વખત બની જતી હોય છે. ઘણી વખત નાના-નાના ફેરફાર કરવાથી ફાયદા મોટા થઈ રહ્યા હોય છે ત્યારે શેરી-ગલીઓમાં નાના-નાના ફેરફારો કરાય તો રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા શહેરના આંતરિક રસ્તાઓને હાઈ-વે થતાં અટકાવવા ઉપરાંત જરૂરી સ્ટ્રીટ ફર્નિચર સાથે તેને ડેવલપ કરવા માટે એસયુએમ-એસીએ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ ટાઈપોલોજીનો અભ્યાસ કરીને તેની ડિઝાઈન તૈયાર કરી રહી છે.