૩ આવાસ યોજનાની ૭૦ દુકાન વેચશે મનપા: કિંમત ૮.૩૦થી ૨૮.૬૦ લાખ
સોમવારથી હરાજી શરૂ કરાશે
મહાપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલી અલગ-અલગ ૩ આવાસ યોજનાની ૭૦ દુકાનોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હરાજી સોમવારથી શરૂ કરવામાં આવશે અને દુકાનનો ભાવ ૮.૩૦ લાખથી ૨૬.૩૦ લાખ રૂપિયા નક્કી કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે ૩ આવાસ યોજના છે તેમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ કે જેની ૧૪ દુકાનોની હરાજી સોમવારે સવારે ૯ વાગ્યાથી શરૂ કરાશે. અહીંની દુકાનની સાઈઝ ૧૩.૪૮ ચો.મીથી ૧૫.૧૪ ચો.મી. છે અને તેની અપસેટ કિંમત ૯.૪૦ લાખથી ૧૩.૨૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે મતલબ કે આટલા રૂપિયાથી હરાજી શરૂ કરવામાં આવશે. આવી જ રીતે મવડી પાળ રોડ પર સેલેનિયમ હાઈટસ સામે આવેલી શિવ ટાઉનશિપ છે જ્યાં ૨૨ દુકાનોની હરાજી બુધવારે સવારે ૯ વાગ્યાથી કરાશે. અહીં ૧૬.૧૨ ચો.મી.થી લઈ ૨૭.૬૮ ચો.મી. કાર્પેટ એરિયાની દુકાનો છે જેની અપસેટ પ્રાઈસ ૧૫.૩૦ લાખથી ૨૬.૩૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ૧૫૦ ફૂટ રિંગરોડ પર શહિદ સુખદેવ ટાઉનશિપમાં આવેલી ૩૪ દુકાનોની હરાજી શુક્રવારે સવારે ૯ વાગ્યાથી શરૂ કરવામાં આવશે જેની અપસેટ પ્રાઈસ ૮.૩૦ લાખથી ૨૮.૬૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.