ગંદકી ફેલાવનારને ‘કડકા’ કરશે મનપા: ૨૫૦ થી ૨૦,૦૦૦નો દંડ !
શહેરને ચોખ્ખું-ચણાંક રાખવા દંડરૂપી ધોકો ફટકારવાનું મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી
ગમે ત્યાં કચરો ફેંકનારા પાસેથી ૨૫૦, કચરાપેટી ન રાખનારા પાસેથી ૫૦૦, પ્લાસ્ટિક રાખનાર પાસેથી ૧૦૦૦થી ૩૦૦૦, મોલ દ્વારા કચરો ફેંકાય તો ૩૦૦૦ દંડ વસૂલાશે
દવાખાના-હોસ્પિટલો બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરશે તો ૧૫થી ૨૫,૦૦૦ સુધીનો દંડ મંજૂર
રાજકોટ સ્વચ્છતા બાબતે રાજકોટનો કરુણ રકાસ થયો હોય તેવી રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં છેક ૨૭મો ક્રમ આવ્યો હતો જેના કારણે આ સ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું તેને લઈને મંથન શરૂ કરી દેવાયા બાદ આખરે ગંદકી ફેલાવનારા લોકો પાસેથી આકરો દંડ વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દંડમાં વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવતાં આજે મળેલી બેઠકમાં અમુક સુધારા કરીને દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થયા બાદ હવે ગંદકી ફેલાવનારાને મનપા
કડકા’ જ કરી દેશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કેમ કે આવા લોકો પાસેથી ૨૫૦થી ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે !
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે રાજકોટને સ્વચ્છત અને રળિયામણું બનાવવું હોય તો સૌથી પહેલાં તેની ચોખ્ખાઈ જાળવવી જરૂરી છે. આ જવાબદારી તંત્રની જેટલી છે એટલી જ લોકોની પણ છે એટલા માટે જ્યાં ત્યાં ગંદકી થાય તે બિલકુલ ચલાવી લેવાશે નહીં. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
હવેથી જાહેરમાં કચરો ફેંકાશે, ગંદકી થશે કે કચરાપેટી બહાર કચરો ફેંકાશે તો ૨૫૦ રૂપિયા દંડ વસૂલાશે. અત્યાર સુધી દંડની આ રકમ ૫૦ રૂપિયા જ હતી જેની કોઈ જ અસર થતી ન્હોતી. આવી જ રીતે કચરાપેટી ન રાખનારા લોકો પાસેથી ૨૦૦, હોટેલ-રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડીમાં કચરાપેટી ન હોય તો ૧,૦૦૦, એંઠવાડનો જાહેરમાં નિકાલ કરનારી હોટેલ-રેસ્ટોરન્ટ પાસેથી ૨,૦૦૦, કારખાનામાં કચરા ટોપલી ન હોય તો ૨૦૦, હોસ્પિટલ કે જ્યાં દર્દી દાખલ કરાય છે ત્યાં કચરાપેટી ન હોય તો ૧૦૦૦, હોસ્પિટલ-ક્લિનિક સહિતના દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાય તો પહેલી વખત ૧૦,૦૦૦, બીજી વખત ૧૫,૦૦૦ અને ત્રીજી વખત ૨૦,૦૦૦ના દંડની વસૂલાત કરાશે. જ્યારે જાહેરમાં કચરો સળગાવનાર પાસેથી ૫૦૦, ૭૫૦ અને ૧,૦૦૦ દડ લેવાશે.
આવી જ રીતે પ્લાસ્ટિકનું વેચાણ કે સંગ્રહ કરનાર વેપારી પાસેથી ૧,૦૦૦થી ૩,૦૦૦ સુધીનો આકરા દંડની વસૂલાત કરાશે.
ખાસ કરીને બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા ક્નસ્ટ્રક્શન વેસ્ટનો મનપાના પ્લોટમાં નિકાલ કરવામાં આવશે તો પહેલી વખત ટે્રક્ટર-ટ્રોલીના એક ફેરાના ૪,૦૦૦, બીજી વખત ૭,૦૦૦ અને ત્રીજી વખત ૧૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલાશે. આ જ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાશે તો પ્રથમ વખત ૨,૦૦૦, બીજી વખત ૪,૦૦૦ અને ત્રીજી વખત ૬,૦૦૦ રૂપિયા વસૂલવામાં આવશે.